જૂનાગઢમાં સરદારબાગ પાસે મેગા ડિમોલિશન
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.30
- Advertisement -
જૂનાગઢ શહેરના સરદારબાગ વિસ્તારમાં લાંબા સમયથી સરકારી જમીન પર ખડકાયેલા ગેરકાયદે દબાણો પર આજે વહીવટી તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ મેગા ડિમોલિશન કામગીરીમાં કરોડોની કિંમતની સરકારી જમીન પર ગેરકાયદે દબાણો હટાવી ખુલ્લી કરાઈ હતી.
સીટી સર્વે સુપ્રીટેન્ડન્ટ દશરથસિંહ જાદવના જણાવ્યા અનુસાર, સરદારબાગ પાસે ગેરકાયદેસર રીતે વસવાટ કરતા 16 અસામીઓને અગાઉ 6 મહિના પહેલા જ વહીવટી તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. નોટિસની અવધિ પૂર્ણ થતા આજે સવારથી જ સીટી મામલતદાર, મહાનગરપાલિકા, પીજીવીસીએલ અને પોલીસની સંયુક્ત ટીમ દ્વારા આ વિસ્તારમાં કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ ડિમોલિશન દરમિયાન આશરે 16 જેટલા કાચા અને પાકા મકાનોને તોડી પાડવામાં આવ્યા છે, જેનાથી અંદાજે 630 ચોરસ મીટર જમીન દબાણમુક્ત થઈ છે. આ જમીનની બજાર કિંમત આશરે રૂપિયા 1.27 કરોડ જેટલી થાય છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ સમગ્ર કામગીરી અત્યંત શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી. તંત્રની આ કડક કાર્યવાહીથી ગેરકાયદે દબાણ કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.



