સૌરાષ્ટ્ર યુનિ.મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ ઘટનાઓનું વિશ્લેષણ
લગ્ન એટલે બે કુટુંબનું મિલન, પરંતુ આજના સમયમાં લગ્નના થોડા જ દિવસમાં થતા છૂટાછેડા કે આત્મહત્યાની ઘટના બને છે
- Advertisement -
સમાજને ટકાવી રાખવા કે આગળ લઈ જવા લગ્ન વ્યવસ્થા એ વર્ષોથી ચાલતી આવે છે. લગ્ન એટલે જેમ કહેવાયું છે કે બે વ્યક્તિ નહિ પણ બે કુટુંબનું મિલન થાય છે પણ આજના સમયમાં આ વ્યાખ્યા બદલાતી હોય એમ લાગે છે. છાશવારે લગ્નના 10, 15, 25 કે 30 દિવસમાં થતા છૂટાછેડા કે આત્મહત્યાએ બતાવે છે કે હવે ક્યાંકને ક્યાંક લગ્ન જીવનમાં પણ માનસિક સમસ્યાઓ પતિ કે પત્નીનો ભોગ લઈ રહી છે. ઘણા કિસ્સાઓ એવા પણ સામે આવે છે કે હજુ મહિનો પણ ન થયો હોય અને નવદંપતિ માંથી કોઈ એકે કા તો આત્મહત્યા કરી હોય, કા મર્ડર થયું હોય અથવા છૂટાછેડા થયા હોય. તો આ વિશેના કારણો ક્યાં હોઈ શકે અને આટલી નફરત ક્યાંથી વિકસી શકે એ વિશેનો અભ્યાસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓએ અધ્યક્ષ ડો. યોગેશ એ. જોગસણ અને અધ્યાપક ડો. ધારા આર. દોશીના માર્ગદર્શનમાં વિવિધ ઘટનાઓનું વિશ્લેષણ કરી કેસ સ્ટડી કર્યો જેમાં નીચેના કારણો જોવા મળ્યા. આ ઘટનાઓ વિશે 100 સ્ત્રીઓ અને 80 પુરુષોનો રૂબરૂ સંપર્ક કરીને વિશ્લેષણ કરવામાં આવ્યું. જેમાં 63 ટકા પુરુષો માને છે કે જાતિય જીવનમાં સ્ત્રીઓ આધુનિક નથી બનતી માટે અફેર થાય છે
36% સ્ત્રીઓનું માનવું છે કે જાતિય અસંતોષ આક્રમક પરિણામનું કારણ હોઈ શકે છે.
54% પુરુષોનું માનવું છે કે જાતિય સબંધથી દુર રહેવાને કારણે વિજાતીય પાત્ર પ્રત્યે ધિક્કાર જાગતો હોય છે.
76% સ્ત્રીઓનું માનવું છે કે પુરુષોના અન્ય સ્ત્રી સાથેના સબંધની જાણ છુટાછેડા તરફ લઈ જાય છે.
લવ સ્ટોરીમાં ધીરજ કે નીતિમત્તા નથી હોતી
લવ (પ્રેમ) થી લઈને લસ્ટ (વાસના) સુધી, આજની પેઢીને દરેક બાબતો ફટાફટ જોઈએ છે. તેમની ઇન્સ્ટન્ટ લવ સ્ટોરીમાં ધીરજ કે નીતિમત્તા જેવા શબ્દોને પણ સ્થાન હોતું નથી. આજની યુવા પેઢી માટે જાતિયતા એ બંધ રૂમમાં કે છુપાવીને કરવાની કોઈ બાબત નથી, પરંતુ હવે લોકો ખુલીને તે વિશે ચર્ચા કરતા થયા છે.
- Advertisement -
જાતિય સંબધ જોઈએ છીએ પણ બંધન ગમતું નથી
લોકોને આજે જાતિય સંબધ જોઈએ છે પણ બંધન નહિ. આજના ઘણા યુવાનોને લાગે છે કે સેક્સ સહેલાઈથી મળે છે તો લગ્ન બંધનમાં શા માટે બંધાવું જોઈએ. લગ્નમાં બંધાયા પછી પણ જો એકબીજાની જરૂરિયાત ન સંતોષાય તો અલગ થવામાં ક્ષણનો પણ વિચાર નથી કરતી.
લાઈફ પાર્ટનર નહિ પણ પેકેજ જોઈએ છે
આજકાલ પ્રેમ, લગ્ન, બાળકો બધું માપી માપીને થાય છે. લોકોને લાઇફ પાર્ટનર નહિ પણ એક પેકેજ જોઈએ છે, જે એમની શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક બધી જરૂરિયાતો પૂરી કરે. જ્યારે મનના કે દિલના સંબંધો શરતો પર આધીન હોય તો તેના વ્યવસ્થિત ચાલવાની શક્યતા ઘણી ઓછી થઈ જાય છે. એ જ કારણ છે કે આજકાલ સંબંધો લાંબો સમય ટકતા નથી. આવા સંબંધોમાં પ્રેમ સિવાયની દરેક બાબતો હોય છે અને એટલે જ પ્રેમ ની ખામી રહી જાય છે અને એક્સ્ટ્રા મેરિટલ સંબંધો લોકો બાંધે છે
એક્સ્ટ્રા મેરિટલ અફેર
છૂટાછેડા કે લગ્ન સમસ્યાઓનું એક મુખ્ય કારણ એ એક્સ્ટ્રા મેરિટલ અફેર પણ છે. કામના વધતા કલાકો, કામની જગ્યા પર સ્ત્રી પુરુષ બંનેનું કલાકો સુધી સાથે કામ કરવું, પતિ પત્નીની અસંતૃષ્ટ સેક્સ લાઈફ વગેરેના કારણે એક્સ્ટ્રા મેરિટલ અફેરનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. ઘણા પતિ પત્ની એકબીજા સાથે સેક્સનો પૂરતો આનંદ લઈ શકતા નથી, છતાં પાર્ટનરને ખુશ કરવા માટે ખોટું બોલે છે.