ધો. 10 અને 12ના પરીક્ષાર્થીઓ માટે 2,197 બ્લોક સજ્જ; શિક્ષણ મંત્રીઓએ તૈયારીઓની કરી સમીક્ષા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
આગામી તા. 26 ફેબ્રુઆરી 2026 થી શરૂ થનારી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને ભાવનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પરીક્ષા સમિતિની મહત્વની બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર ડો. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં ગાંધીનગરથી કેબિનેટ શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્ય મંત્રી રીવાબા જાડેજાએ વિડિયો કોન્ફરન્સ દ્વારા પરીક્ષાની પૂર્વ તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
બેઠકમાં પરીક્ષાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે તે માટે જરૂરી સુવિધાઓ જેવી કે પીવાનું પાણી, સતત વીજ પુરવઠો અને વાહનવ્યવહાર અંગે ચર્ચા કરવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં તકલીફ ન પડે તે માટે વધારાની એસટી બસો ફાળવવા સૂચના અપાઈ છે. આ વર્ષે ભાવનગર જિલ્લામાં ધોરણ 10 ના 37,501, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 18,717 અને વિજ્ઞાન પ્રવાહના 6,292 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે.
પરીક્ષાના સંચાલન માટે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા એક્શન પ્લાન રજૂ કરાયો હતો. જિલ્લામાં ધોરણ 10 માટે 132 બિલ્ડીંગ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે 31 અને સામાન્ય પ્રવાહ માટે 69 બિલ્ડીંગો ફાળવવામાં આવી છે. તમામ પરીક્ષા કેન્દ્રો અને બ્લોક પર ઈઈઝટ કેમેરાની બાજ નજર રહેશે જેથી કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવી શકાય. આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક નીતિશ પાંડે અને નિવાસી અધિક કલેક્ટર એન. ડી. ગોવાણી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



