શેરીના નાકે જીણાભાઇ અને મગનભાઇના છોકરા બીજા છોકરાઓની ગેંગ ભેગી કરી ગાળો બોલતાં હોઇ તેને હાર્દિકે ઠપકો આપ્યો
એ પછી પોતાના રેસ્ટોરન્ટ પર ગયો ત્યારે જીણાભાઇ, મગનભાઇ ઉપરાણું લઇ ટોળકી રચી ધસી આવ્યા ને ધમાલ મચાવી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સામા કાંઠે આડા પેડક રોડ પર ન્યુ શક્તિ સોસાયટીમાં રહેતાં રેસ્ટોરન્ટ સંચાલક યુવાને રાતે શેરીના નાકે ટોળકી ભેગી કરીને બેસતાં બે છોકરાઓને આ રીતે ભેગા નહિ થવા અને ગાળો નહિ બોલવા સમજાવી ઠપકો આપતાં તેનો છોકરાઓના બાપુજી સહિતનાએ ઉપરાણુ લઇ યુવાન તેના રેસ્ટોરન્ટ પર બેઠો હોઇ ત્યાં જઇ છરી-ધોકાથી હુમલો કરી હત્યાનો પ્રયાસ કરતાં દેકારો મચી ગયો હતો. જમવા આવેલા બે યુવાનોએ તેને બચાવ્યો હતો અને હોસ્પિટલે ખસેડયો હતો.
આ બનાવમાં પોલીસે હુમલામાં ઘાયલ આડો પેડક રોડ ન્યુ શક્તિ સોસાયટી-4માં રહેતાં અને ઘર નજીક જ દૂર્ગા રેસ્ટોરન્ટ નામે વ્યવસાય કરતાં હાર્દિક લાભુભાઇ કુંગશિયા (ઉ.વ.28)ની ફરિયાદને આધારે જીણા વિઠ્ઠલભાઇ ગોહેલ, મગન વિઠ્ઠલભાઇ ગોહેલ, ધર્મેશ, ગૌરવ, હર્ષિલ અને શામજી વિરૂદ્ધ આઇપીસી 307, 323, 504, 143, 147, 148, 149, 135 મુજબ રાયોટીંગ-હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો છે.
હાર્દિક કુંગશિયાએ જણાવ્યું હતું કે હું પરિવાર સાથે રહુ છું અને રેસ્ટોરન્ટ ચલાવુ છું. અમે બે ભાઇઓ છીએ અને એક બહેન છે. મંગળવારે રાતે સવા અગિયારેક વાગ્યે અમારી શેરીના નાકા ઉપર જીણાભાઇ તથા મગનભાઇના છોકરાઓ બીજા છોકરાઓની ગેંગ ભેગી કરીને બેઠા હોઇ અને તેઓ ગાળાગાળી કરતાં હોઇ જેથી મેં ત્યાં જઇને તેને અહિ ભેગા થઇને બેસવાની ના પાડી હતી અને ઠપકો આપ્યો હતો. એ પછી હું મારા રેસ્ટોરન્ટ પર જઇને બેઠો હતો. એ પછી રાતે સાડા અગિયારેક વાગ્યે જીણાભાઇ ગોહેલ હાથમાં છરી લઇને આવ્યા હતાં. તેની સાથે મગનભાઇ ગોહેલ ધોકો લઇને આવ્યા હતાં.
આ બંનેની સાથે ધર્મેશ, ગૌરવ, હર્ષિલ, શામજીભાઇ પણ હાથમાં ધોકા લઇને આવ્યા હતાં. મગનભાઇએ મને ‘તે કેમ અમારા છોકરાને ગાળો દીધી?’ તેમ કહી બેફામ ગાળો ભાંડી હતી. એ દરમિયાન જીણાભાઇએ છરીથી હુમલો કરી મને જાનથી મારી નાખવાના ઇરાદે એક ઘા છાતીની ડાબી બાજુએ મારી દીધો હતો. બીજો ઘા માથામાં લાગી ગયો હતો.
તેમજ ત્રીજો ઘા જમણા હાથે અને ચોથો ઘા બરડામાં મારી દીધો હતો. મગનભાઇએ ધોકાથી મને શરીરે આડેધડ માર માર્યો હતો. તેમજ બીજા છોકરાઓએ પણ મારકુટ ચાલુ કરી હતી. મેં બૂમાબૂમ કરતાં રેસ્ટોરન્ટમાં જમવા આવેલા અજયભાઇ મઠીયા, મોહિતભાઇ સહિતના વચ્ચે પડયા હતાં અને મને છોડાવ્યો હતો.
આ બંને મને સારવાર માટે કુવાડવા રોડની ગોકુલ હોસ્પિટલે લઇ ગયા હતાં. છાતીના ભાગે પાંચ ટાંકા આવ્યા છે તેમજ બીજા ભાગોના ઘામાં પણ ટાંકા લેવા પડયા છે. છોકરાઓને શેરીના નાકે નહિ બેસવા અને ગાળો નહિ બોલવા સમજાવતાં તેના વાલીઓ સહિતનાએ છરી-ધોકાથી હુમલો કરી મને પતાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.
તેમ વધુમાં હાર્દિક કુંગશિયાએ જણાવતાં પીઆઇ આર. જી. બારોટની રાહબરીમાં પીએસઆઇ પી. બી. ત્રાજીયા, અશ્વિનભાઇ રાઠોડ સહિતે ગુનો નોંધ્યો હતો. પોલીસે આરોપીઓને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે.
પેડક રોડ પર દુર્ગા રેસ્ટોરન્ટના સંચાલક હાર્દિક કુંગશિયા પર 6 શખ્સો છરી-ધોકા લઈ તૂટી પડ્યા તેનો વિડીયો જોવા અહીં ક્લિક કરો…