ગઈકાલે ચારના મૃત્યુ બાદ આજે વધુ બે લોકોના હૃદય ધબકારા ચૂકી ગયા
મોડી રાત્રે બાથરૂમ કરવા ગયેલા વેપારી વૃધ્ધ ઢળી પડ્યા, ટૂંકી સારવારમાં દમ તોડ્યો
- Advertisement -
રાત્રે છાતીમાં દુખાવાની ફરિયાદ કરતાં પ્રૌઢા સૂતા બાદ સવારે ઉઠયા જ નહીં
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં દરરોજ હાર્ટએટેકથી લોકોના મોત થઈ રહ્યા છે ગઈકાલે ચાર લોકોના મૃત્યુ થયા બાદ આજે વધુ બે લોકોના હૃદય રોગના હુમલાથી મોત નિપજ્યાં છે જેમાં મોડી રાત્રે બાથરૂમ કરવા ઉઠેલા વૃધ્ધ વેપારી અને રાત્રે જ છાતીમાં દુખાવાની ફરિયાદ કરતાં પ્રૌઢાનો સમાવેશ થાય છે.
શહેરના 150 ફૂટ રીંગ રોડ ઉપર ક્રિષ્ના બંગ્લોઝમાં રહેતા વિરેન્દ્રભાઈ મહાસુખરાય ત્રિવેદી ઉ. 61 ગત મોડી રાત્રે લઘુશંકા કરવા બાથરૂમમાં ગયા ત્યારે અચાનક બેભાન થઈ ઢળી પડતા તાકીદે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા પરંતુ અંહી ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું બનવાની જાણ થતાં તાલુકા પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી મૃતક લોખંડ સ્કેપનો ધંધો કરતા હોવાનું અને 4 ભાઇમાં ત્રીજા નંબરના હોવાનું જાણવા મળ્યું છે વિરેન્દ્રભાઈનું મોત હાર્ટ એટેકથી થયું હોવાનું પરિવારે જણાવ્યું હતું વૃધ્ધના મોતથી બે પુત્રએ પિતાનું છત્ર ગુમાવ્યું છે જ્યારે મવડી ચોકડી નજીક ઉદયનગરમાં એબી એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતા સંગીતાબેન કિશનભાઇ સંચાણિયા ઉ.51 રાત્રે સૂતા બાદ આજે વહેલી સવારે પરિવારજનોએ જગાડતાં નહીં જાગતા બેભાન હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યાં હતા બનાવને પગલે માલવીયાનગર પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો પ્રાથમિક તપાસમાં સંગીતાબેનને ત્રણ દીવસથી તાવ શરદી અને ઉધરસની તકલીફ હોય દવા લીધી હતી આ ઉપરાંત બીપી, ડાઈબિટિસ અને થાઇરોઈડની જૂની બિમારીથી પણ તેઓ પીડાતા હતા ગત રાત્રે સંગીતાબેનએ પુત્રને છાતીમાં દુ:ખાવાની ફરિયાદ પણ કરી હતી આજે સવારે દવા લેવા જવાનું હતું તે પૂર્વે જ મોત નીપજ્યું હતું પતિને અટિકા ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં કારખાનું છે તેમજ સંતાનમાં 2 પુત્ર અને 2 બહેન, 1 ભાઇમાં મોટા હોવાનું જાણવા મળ્યું છે પીએમ રિપોર્ટમાં હાર્ટ એટેકથી મોત નિપજયું હોવાનુ સામે આવ્યું હતું.