4 લોકોની હાલત ગંભીર, 44 મુસાફરો સવાર હતા: લાલ સમુદ્રમાં કોરલ રીફ જોવા ગયા હતા
ખાસ-ખબર ન્યૂઝ વોશિંગ્ટન, તા.28
ઇજિપ્ત નજીક લાલ સમુદ્રમાં એક પ્રવાસી સબમરીન ડૂબી જતાં છ લોકોના મોત થયા હતા. ઇજિપ્તના હુરઘાડા હોલિડે રિસોર્ટથી એક કિલોમીટર દૂર થયેલા આ અકસ્માતમાં નવ લોકો ઘાયલ થયા હતા, જેમાંથી ચાર ગંભીર હતા. સિંદબાદ નામની સબમરીનમાં બાળકો સહિત લગભગ 44 મુસાફરો સવાર હતા. આ બધા મુસાફરો રશિયન નાગરિકો હતા, લગભગ 29 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. એવી આશંકા છે કે આ સબમરીન પાણીની નીચે 65 ફૂટની ઊંડાઈએ ખડક સાથે અથડાઈ હતી. આ પછી પાણીના દબાણને કારણે તે ડૂબી ગઈ. જોકે, હજુ સુધી કોઈ સ્પષ્ટ કારણ મળ્યું નથી. ઘટનાસ્થળે લગભગ 21 એમ્બ્યુલન્સ મોકલવામાં આવી હતી. ઘાયલોની હાલત જોઈને તેમને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. આ સબમરીન કોરલ રીફ અને ઉષ્ણકટિબંધીય માછલીઓ જોવા માટે સમુદ્રની અંદર પહોંચી હતી. ફિનલેન્ડમાં ડિઝાઇન કરાયેલી આ સબમરીન એક સમયે 44 મુસાફરો અને બે ક્રૂ સભ્યોને લઈ જઈ શકે છે, જે 72 ફૂટની ઊંડાઈ સુધી ડાઇવ કરી શકે છે. આમાં, પુખ્ત વયના લોકો માટે ટિકિટ 69 ડોલર (6 હજાર રૂૂપિયા) અને બાળકો માટે 33 ડોલર (3 હજાર રૂપિયા) હતી.



