આંતર જિલ્લા ઘરફોડ ચોરીમાં સંડોવાયેલી મહિલા ઝડપાઇ
રાજ્યના 11 જિલ્લામાં ચોરીની ઘટનાને અંજામ આપતી મહિલા અંતે પોલીસની ઝપટે
- Advertisement -
ક્રાઇમ બ્રાન્ચે રોકડ, સોનું મળી 5.72 લાખ કબ્જે કર્યા
ખાસ ખબર સંવાદદાતા
જૂનાગઢ રેન્જ આઇજી નિલેશ જાંજડીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ જે.પટેલ અને સ્ટાફ ઘરફોડ ચોરીના ગુનાહિત ઇતિહાસ ધરાવનાર ઈસમોને ઝડપી લેવા સૂચના મળતા બગડુ ગામે ગત તા.25 ડિસેમ્બરના રોજ ધોળા દિવસે મુકેશભાઈ પાઘડાળના બંધ મકાન માંથી કબાટના તાળા તોડી સોના – ચાંદી અને રોકડ રૂપિયા મળી કુલ 6,29,000 લાખની ચોરીની ફરિયાદન તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.
બગડુ ગામે ધોળા દિવસે ચોરી થતા જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી તેમજ ટેક્નિકલ સોર્સના આધારે ઊંડાણ પૂર્વક તપાસ શરુ કરી હતી જેમાં ચોરીને અંજામ આપનાર ટીનાબેન ઉર્ફે ઇક્કાબેન તરસંગભાઈ વાલ્મિકી ઉ.35 રહે.થરા જી.બનાસકાંઠાની મહિલાને શહેરના ખામધ્રોળ રોડ પરની આરટીઓ કચેરી નજીકથી શકના આધારે મહિલા પોલીસ સાથે રાખીને ક્રાઇમ બ્રાન્ચે બાળક સાથે ઝડપી લેવામાં સફળતા મળી હતી અને તેની પાસેની થેલી માંથી રોકડ રૂપિયા 1 લાખ તેમજ સોના ચાંદી અને મોબાઈલ મળી કુલ રૂ. 5.72 લાખ જપ્ત કર્યા હતા.
ક્રાઇમ બ્રાન્ચની પુછપરછમાં ટીનાબેન ઉર્ફે ઇક્કાબેન અગાઉ રાજ્યના અનેક જિલ્લમાં ચોરીના ગુનામાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું હતું જેમાં કુલ 11 ગુનામાં સંડોવણી હોવાનું ખુલ્યું હતું. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના અલગ-અલગ તાલુકામાં ચાર જેટલા ગુના પોલીસ ચોપડે નોંધાયા છે. તેમજ બનારસ કાંઠા જિલ્લાના જુદા-જુદા પોલીસ સ્ટેશનમાં પણ ચાર ગુના નોંધાયા છે. તેની સાથે કચ્છ, પાટણ જિલ્લામાં પણ ચોરીના ગુના નોંધાયા છે. આમ આ મહિલા આંતર જિલ્લા ચોરીમાં સંડોવણી હોવાનું સામે આવ્યું છે. પોલીસે હજુ કેટલી ઘરફોડ ચોરીમાં મહિલાની સંડોવણી છે તે દિશામાં પણ વધુ તપાસ હાથ ધરી છે.
હાલ મહિલા સામે તાલુકા પોલીસ સ્ટશેનમાં ચોરીના નોંધાયેલ ગુનામાં મહિલાને તાલુકા પોલીસને હવાલે કરી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.