કુલ 286 સાવજોનાં મોત : 456 દીપડા પણ મૃત્યુ પામ્યા : વિધાનસભામાં ચોંકાવનારો રિપોર્ટ
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
એશિયાઈ સાવજોની વસતી ધરાવતા એકમાત્ર ગીર અભ્યારણ્યમાં છેલ્લા બે વર્ષમાં 143 બાળસિંહ સહિત 286 સિંહોના મૃત્યુ થયા હતા. તેમાંથી 58 ના મોત અકુદરતી રીતે થયા હતા.
એકતરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ વન્ય જીવ દિવસે એશિયાઈ સિંહોના ઘર એવા ગીર સાસણની મુલાકાત લઈને સિંહો સહિતના વન્ય જીવોના સંવર્ધન માટે પગલાં જાહેર કર્યા છે. ત્યારે બીજી તરફ છેલ્લા બે વર્ષમાં કુલ 286 સિંહ અને 456 દીપડાનાં મૃત્યુ થયાની માહિતી વિધાનસભામાં અપાઈ હતી.
જેમાં ચોંકાવનારો આંકડો અકુદરતી રીતે મૃત્યુ પામેલા 58 જેટલા સિંહ અને સિંહ બાળનો છે. જ્યારે દીપડા અને દીપડાના બચ્ચા મળીને 153 દીપડાના અકુદરતી રીતે મૃત્યુ થયા છે.
એકતરફ ચિત્તાને ગુજરાતમાં વસાવવાની વાત છે ત્યારે સિંહ અને દીપડાના સુરક્ષિત ભાવિ માટે ચિંતાજનક સ્થિતિ દર્શાવતા આંકડા વન વિભાગ દ્વારા ગૃહમાં રજૂ કરાયા હતા. કોંગ્રેસના શૈલેષ – પરમાર દ્વારા સિંહ અને દીપડાના 31-12 – 2024ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં થયેલા મૃત્યુ અને અકુદરતી મૃત્યુ રોકવા માટે લેવાયેલા પગલાં વિશે જાણકારી માગતો સવાલ પૂછાયો હતો. જેના લેખિત જવાબમાં વન વિભાગે જણાવ્યું હતું કે, 2023માં કુલ 121 સિંહ અને સિંહબાળના મૃત્યુ થયા છે. 2024માં આ આંકડો વધીને 165 થયો છે. તેવી જ રીતે 2023માં 154 અને 2024માં 162 દીપડાના મૃત્યુ થયા છે. 2024માં 162 દીપડા અને 69 દીપડાના બચ્ચાના મૃત્યુ થયા છે.
બે વર્ષના કુલ આંકડા પણ સિંહ અને દીપડાને અકુદરતી મૃત્યુથી બચાવવા માટે વાસ્તવમાં કેટલા પગલાં લેવાય છે તે સામે આશંકા ઉભી કરે છે. વનવિભાગના આંકડા -મુજબ 41 સિંહ અને 17 સિંહબાળના મૃત્યુ થયા છે. તો દીપડાની સંખ્યા ખૂબ મોટી છે. જેમાં 115 દીપડા અને 38 દીપડાના બચ્ચાના અકુદરતી મૃત્યુ થયા છે.