ખાસ-ખબર સંવાદદાતા
મહાશિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકો માટે અને રાજ્ય સરકારે નવી ફાળવેલી 6 ઈલેક્ટ્રિક બસ સહિત 14 બસોનો મેયર શ્રીમતિ ગીતાબેન પરમાર અને ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયાએ પ્રારંભ કરાવ્યો હતો. જૂનાગઢથી ભવનાથ પહોંચવા માટે 56 મીડી બસ અને અન્ય સ્થળોએથી મેળામાં આવવા માટે કુલ 173 મોટી બસ દોડાવવામાં આવશે. ઉપરાંત રાજ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે જૂનાગઢ એસ.ટી. વિભાગને ફાળવવામાં આવેલ કુલ-14 બસના રૂટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં 4 સ્લીપર કોચ અને 2*2ની 10 લકઝરી બસનો સમાવેશ થાય છે. નવી ફાળવાયેલ સ્લીપર બસોમાં બે બેસ સોમનાથ- ગાંધીનગર અને અન્ય બે બસ કેશોદ-નાથદ્વારા રૂટ પર દોડશે. નવી 6 ઈલેક્ટ્રિક બસ ફાળવવામાં આવી છે તેમાં 4 બસ જૂનાગઢ-રાજકોટ અને 2 જૂનાગઢ- સોમનાથ વચ્ચે દોડશે. આ પરિવહન સેવામાં વધારો કરતી બસને લીલીઝંડી આપતા ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયાએ મુસાફરોને જાહેર મિલકતને પોતાની મિલકત સમજી તેની ખેવના લેવા માટે બસ સેવાના પ્રારંભ વેળાએ જણાવ્યું હતું.
મહાશિવરાત્રીના મેળામાં ભાવિકોને ભવનાથ જવા માટે 56 મીડી બસનો પ્રારંભ કરાયો
