અગાઉ રોજ 250 માસ્ક વેચાતા હવે માત્ર 100
લોકો કોરોનાથી ડરીને નહીં, પરંતુ દંડથી બચવા માસ્ક પહેરી રહ્યાં છે
ખાસ-ખબર સંવાદદાતા
હાલ કોરોનાના કેસ ઘટીને 100થી 200ની વચ્ચે આવી ગયા છે. કેસ ઘટતા હવે માસ્ક અને સેનિટાઈઝરનું વેચાણ પણ ઘટીને તળિયે આવી ગયું છે. એક સમયે માસ્ક માટે મેડિકલ પર લોકોની ભીડ જામતી હતી, પરંતુ બીજી લહેર જતાં માસ્કનું વેચાણ અડધું જ એટલે કે 55 ટકા પર આવી ગયું છે.કોરોનાકાળમાં છેલ્લા દોઢ વર્ષથી માસ્ક પહેરવું જીવન જરૂરી બની ગયું છે.
જોકે તેમ છતાં કોઈ માસ્ક ન પહેરે તો આકરો દંડ ભરવાનો વારો આવે છે. ત્યારે કોરોનાની બીજી લહેરમાંથી બહાર આવતાં લોકો નિયમો ભૂલવા માંડ્યા છે. લોકો કોરોનાથી ડરીને નહીં, પરંતુ દંડથી બચવા માસ્ક પહેરી રહ્યાં છે. કોરોના હળવો પડતાં જ માસ્કનું વેચાણ પણ રોજ ઘટી રહ્યું છે. બીજી લહેરમાં માસ્કનું જે વેચાણ થતું હતું તે હાલ અડધું થઈ ગયું છે. જ્યારે સેનિટાઈઝર તો જાણે ભુલાઈ જ ગયું છે. જે મેડિકલમાં દરરોજની 35-40 બોટલ સેનિટાઈઝર વેચાતું હતું, ત્યાં હાલ માંડ 2-4 બોટલનું વેચાણ થઈ રહ્યું છે.
- Advertisement -
રાજકોટના મેડિકલ સંચાલકનું કહેવું છે કે, એપ્રિલ મહિનામાં દરરોજના 250 જેટલા માસ્કનું વેચાણ થતું હતું. કોઈપણ બીજી દવા લેવા આવે તો પણ ગ્રાહકો સાથે માસ્ક લેતા હતા, પરંતુ હવે માત્ર 100 જેટલા માસ્ક પણ માંડ વેચાય છે. જ્યારે સેનિટાઈઝરની દિવસમાં એક-બે બોટલ જ વેચાય છે.
કોટનના માસ્કનો ઉપયોગ વધ્યો
કોરોનાની બીજી લહેર બાદ કોટનના માસ્કનો ઉપયોગ વધ્યો છે. દરરોજ માસ્કનો ખર્ચ કરવો લોકોને પરવડે તેમ નથી. જેથી લોકો કોટનના માસ્ક તરફ વળી રહ્યાં છે. કોટનના માસ્કને ધોઈને ફરી લોકો તેનો ઉપયોગ કરે છે. જેથી માસ્કનો વધારાનો ખર્ચ ઘટે.


