ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29
જૂનાગઢ લોકસભા ચૂંટણી અંતર્ગત 86 જૂનાગઢ વિધાનસભા મતવિસ્તાર અન્વયે 547 પ્રિસાઇડિંગ ઓફિસર અને 654 પોલિંગ ઓફિસર – 1ની પ્રથમ તાલીમનું આયોજન કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમ હોલ ખાતે કરવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લામાં આગામી તા.7 મેના રોજ લોકસભા ચૂંટણી યોજાનાર છે. લોકસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે થનાર મતદાનની કામગીરી સુવ્યવસ્થિત રીતે થાય એ માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ કૃષિ યુનિવર્સિટી ખાતે ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સાથે જોડાયેલા અધિકારીઓ-કર્મચારીઓની પ્રથમ તાલીમ આપવામાં આવી હતી તથા ચૂંટણીની સમગ્ર કામગીરી દ્વારા દરમિયાન ચીવટતાપૂર્વક કામગીરી કરવા, ઈવીએમ હેન્ડસ ઈન તાલીમ લેવા જણાવ્યું હતુ.
- Advertisement -
આ તાલીમમાં મતદાન પ્રક્રિયા અંગેની તાલીમ, ચૂંટણી વખતે રાખવાની થતી તકેદારી, ચૂંટણી સાથે જોડાયેલ વિવિધ મુદ્દાઓ, જોગવાઈઓથી માસ્ટર ટ્રેનર દ્રારા માહિતગાર કરાયા હતા. આ તાલીમ ત્રણ તબક્કામાં આપવામાં આવી હતી. જેમાં પ્રથમ તબક્કામાં ચૂંટણીલક્ષી સામગ્રી મેળવતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો, બીજા તબક્કામાં કર્મચારીને મતદાન મથક પરની કાર્યપદ્ધતિ અને ત્રીજા તબક્કામાં રિસીવિંગ સેન્ટર પર સામગ્રી પરત સોંપણી અંગેની તાલીમ આપવામાં આવી હતી. ઉપરાંત 15 જેટલા ઇવીએમ પર પણ હેન્ડસ ઈન તાલીમ એટલે કે પ્રત્યક્ષ તાલીમ આપવામાં હતી.