ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
દેશભરના અનેક ભાગોમાં ગુરુવારે પણ મકર સંક્રાંતિ મનાવવામાં આવી રહી છે. સંક્રાંતિને લઈને ગંગા, યમુના અને નર્મદા જેવી પ્રમુખ નદીઓના કિનારે લાખો લોકો સવારથી ડૂબકી લગાવી ચૂક્યા છે. પ્રયાગરાજ માઘ મેળામાં આજે મકર સંક્રાંતિનું સ્નાન પર્વ છે. સંગમમાં બપોરે 12 વાગ્યા સુધીમાં 54 લાખ શ્રદ્ધાળુઓ સ્નાન કરી ચૂક્યા છે. આજે અંદાજે દોઢ કરોડ શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવું અનુમાન છે.
મકર સંક્રાંતિ પર પતંગબાજી દરમિયાન સતત અકસ્માતો પણ સામે આવી રહ્યા છે. વિતેલા બે દિવસોમાં ગુજરાતમાં 9 અને રાજસ્થાનમાં 6, ઉત્તર પ્રદેશ અને કર્ણાટકમાં 1-1 વ્યક્તિના મોત થયા છે.
યુપીના વારાણસીના ગંગા ઘાટ અને પશ્ર્ચિમ બંગાળના ગંગાસાગરમાં સ્નાન માટે લોકોની ભીડ ઉમટી છે. પંજાબના અમૃતસરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ સચખંડ શ્રી દરબાર સાહિબમાં પવિત્ર સ્નાન કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મકર સંક્રાંતિના અવસર પર પોતાના નિવાસસ્થાને ગાયોને ચારો ખવડાવ્યો. ઉજ્જૈન સ્થિત વિશ્ર્વ પ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્ર્વર મંદિરમાં મહાકાલનો તલના તેલથી અભિષેક કરવામાં આવ્યો. ભસ્મ આરતીમાં પણ તલ અર્પણ કરવામાં આવ્યા અને તલના લાડુનો ભોગ ધરાવવામાં આવ્યો. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મકર સંક્રાંતિ પર ગુરુવારે વહેલી સવારે ગોરખનાથ મંદિરમાં ખીચડી અર્પણ કરી. ગોરક્ષ પીઠાધીશ્ર્વર યોગીજીએ સવારે 3:40 વાગ્યે મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો. નાથ પરંપરા અનુસાર, તેમણે ગુરુ ગોરખનાથની પૂજા-અર્ચના કરી. ત્યારબાદ ગળામાં લટકતી સીટી વગાડી અને દંડવત પ્રણામ કર્યા. તમિલનાડુના કાંચીપુરમ નજીક ગ્રીન પાર્ક એવન્યુમાં પોંગલના તહેવાર માટે શેરડીનો એક વિશાળ રથ તૈયાર કરવામાં આવ્યો છે. 21 ફૂટ ઊંચો અને 10 ફૂટ પહોળો, પાંચ ટન વજન ધરાવતો આ રથ 15 લોકોએ 15 દિવસમાં તૈયાર કર્યો છે. સંપૂર્ણપણે શેરડીમાંથી બનેલા આ રથને જાહેર પ્રદર્શન માટે રાખવામાં આવ્યો છે, જેને જોઈને સ્થાનિક લોકોમાં ભારે કુતૂહલ અને ઉત્સવનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.



