895 કરોડના બેન્ક કૌભાંડમાં ઈડીની કાર્યવાહી: સેથાર લિ.એ 3,500 કરોડનો કોન્ટ્રાક્ટ મેળવવા સ્ટીલ કંપની સાથે ષડયંત્ર રચ્યું હોવાનો ઈડીનો દાવો
ખાસ-ખબર સંવાદદાતા
એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ(ઈડી)એ બુધવારે જણાવ્યું કે રૂ. 895 કરોડથી વધુના કથિત બેન્ક લોન કૌભાંડના સંબંધમાં મની લોન્ડરીંગ કાયદા હેઠળ તેણે મહારાષ્ટ્ર સ્થિત એક સ્ટીલ કંપની એસકેએસ ઈસ્પાત એન્ડ પાવર લિ.ની રૂ. 517 કરોડથી વધુની મિલકત જપ્ત કરી છે જેમાં કંપનીની માલિકીની જમીન, મકાન અને મશીનરી સામેલ છે. સીબીઆઈની એનપીએ બનેલી બેન્ક લોનની તપાસમાં મની લોન્ડરીંગ કૌભાંડ બહાર આવ્યું હતું.
- Advertisement -
આ તપાસ મદુરાઈમાં ઈન્ડિયન બેન્કની એસએએમ બ્રાન્ચની આગેવાની હેઠળના ધિરાણદારોના ક્ધસોર્ટિયમ પાસેથી રૂ. 895.45 કરોડની ક્રેડિટ સુવિધા મેળવનાર તિરુચિરપ્પલી સ્થિત બોઈલર ઉત્પાદક કંપની સેથાર લિ. સામે સીબીઆઈની એફઆઈઆર આધારિત મની લોન્ડરીંગ કેસ સંબંધિત હતી. સેથારના ખાતા 2012માં એનપીએ બન્યા અને 2017માં તેની સામે નાદારીની પ્રક્રિયા શરૂ થઈ. ત્યાર પછી સ્ટીલ ઉત્પાદક કંપનીની ભૂમિકા પણ ઉજાગર થઈ હતી.
રૂ. 3,500 કરોડ માટે એસકેએસ પાવર જનરેશન (છત્તીસગઢ) લિ.નો એન્જિનીયરીંગ, પ્રોક્યોરમેન્ટ અને બાંધકામ (ઈપીસી) કોન્ટ્રાક્ટ મેળવવા માટે સેથાર લિ.એ રૂ. 228 કરોડ તેની પેરન્ટ કંપની એસકેએસ ઈસ્પાત એન્ડ પાવર લિ.ને શેરમાં રોકાણના બહાના હેઠળ ટ્રાન્સફર કરી દીધા. ઈડીએ જણાવ્યું કે તેના પર જમા થયેલું વ્યાજ હિસાબમાંથી બાકાત રખાયું હતું.