છ માસમાં પુરું કરવાનું હતું કામ, નબળું કામ કરી એજન્સી સંચાલકો નાસી ગયા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં એઈમ્સ ધમધમી રહ્યું છે પણ તેની સુધી પહોંચવા માટે કરોડો રૂપિયાના ખર્ચે બનેલો 300 ફૂટનો 6 લેન રોડ વપરાશ વગર પડ્યો છે કારણ કે તે માર્ગમાં જે બ્રિજનું કામ ચાલી રહ્યું તે પૂરું થવાનુ નામ લેતુ નથી. છ મહિનામાં કામ પૂરું થવાનુ હતુ પણ એક વર્ષ વિત્યા બાદ પણ કામ અડધે જ પહોંચ્યું છે. આ પાછળનું કારણ એ છે કે એજન્સીને ભ્રષ્ટાચાર કરવા પાછળની તક છિનવાઈ ગઈ છે અને હવે કામ કરવામાં આડોડાઈ કરી રહી છે. એઈમ્સ રોડ પર 6 લેન બ્રિજનું કામ 5 કરોડના ખર્ચે અપાયું હતું. આ બ્રિજ છ મહિનામા જ બનાવવો પડે તેમ હતો કારણ કે ત્યાંથી ડાયવર્ઝન શક્ય ન હોવાથી છેક એઈમ્સ સુધીનો રોડ બંધ છે.
- Advertisement -
આ કામ એમ્પલ નામની એજન્સીને અપાયું હતું. છ માસમાં કામ કરવાને બદલે એક વર્ષે પણ કામ 50 ટકાએ જ ઊભું રહ્યું છે. એજન્સી આટલી ધીરે કામ કરવા પાછળના કારણો જાણતા લેબર ન મળવા, માલની અછત, સિમેન્ટના ભાવમાં વધારો, વરસાદ સહિતના બહાના મળ્યા હતા પણ ઊંડી તપાસ કરતા ભ્રષ્ટાચારની તક ન મળતા કામ ધીમું પડ્યાનું બહાર આવ્યું છે. બ્રિજ માટે ટેન્ડર થયા ત્યારે કોન્ટ્રાક્ટરોએ 30થી 35 ટકા વધારે ભાવ ભર્યા હતા જ્યારે આ એજન્સીએ 8.89 ટકા ઓન ભર્યા હતા. ભાવ સૌથી ઓછા હોવાથી એજન્સીને કામ મળ્યું હતું અને કામ ચાલુ પણ કરી દેવાયું હતું. કામ શરૂ થતા રનિંગ બિલ પેટે એક કરોડ રૂપિયાની ચૂકવણી પણ કરાઈ હતી. એક કરોડ રૂપિયા ચુકવાઈ જતા કમિશનરે આ કામ પર નજર રાખવા આદેશ કર્યો હતો. જેને લઈને તમામ પ્રકારના ગુણવત્તાના માપદંડ એજન્સીએ પૂરા કરવાના હતા. પણ, ત્યાં જ એજન્સી નબળી પડી હતી અને કામ ધીમું પાડી દીધુ હતું.
ગત વર્ષે એક બિલ મંજૂર થયા બાદ બીજા કોઇ બિલ મુકાય તેટલું કામ આગળ વધાર્યુ જ ન હતું. આ પરથી એ સ્પષ્ટ થાય છે કે એજન્સીએ ઓછા ભાવ ભરીને ટેન્ડર મેળવી હલકો માલ વાપરીને વધુ પૈસા રળી લેવા હતા પણ આંતરીક ઓડિટમાં સેમ્પલ ફેલ અને હવે ગુણવત્તાવાળુ કામ કરવુ પડે તેવી સ્થિતિ છે અને ટેન્ડર મુજબ જો કામ કરવા જાય તો ભાવ વધારાને કારણે ખોટ આવી શકે તેમ છે. આ કારણે એજન્સીએ કામ ધીમું કરી મનપાને બાનમાં લેવાનો પ્રયાસ કર્યો છે.
એઈમ્સ રોડ એક વર્ષથી ઉપયોગ વિહોણો, માધાપર ચોકડીએ ટ્રાફિકજામ
એઈમ્સ જે સ્થળ પર બન્યું છે ત્યાં જામનગરથી આવતા દર્દીઓ માટે ખાસ રસ્તો તેમજ મોરબીથી આવતા દર્દીઓ માટે પણ રસ્તો બનાવ્યો છે. આ કારણે જે વાહનો મોરબીથી જામનગર વચ્ચે આવાગમન કરે છે તેમના માટે રૂડા અને મનપાએ બનાવેલો 300 ફૂટનો એઈમ્સ રોડ આશીર્વાદરૂપ છે. આ ઉપરાંત માધાપર ચોકડીએ ઓવરબ્રિજનું કામ ચાલુ છે અને અન્ડરપાસ બનવાનો છે તેથી એઈમ્સ રોડ ડાયવર્ઝન તરીકે શ્રેષ્ઠ કામ આપી શકે છે. પણ, આ બ્રિજનું કામ સમયસર ન પૂર્ણ થતા એઈમ્સ રોડનો ઉપયોગ થતો નથી અને માધાપર ચોકડીએ દરરોજ હજારો વાહનચાલકો હેરાન થાય છે આ ઉપરાંત એઈમ્સ જવા માટે પરાપીપળિયાના કાચા માર્ગ પરથી વાહનો નીકળે છે.