ગૃહ વિભાગના સરકારના સંયુક્ત સચિવની દાહોદ બદલી કરાઈ
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતના વિવિધ જિલ્લાના ઈંઅજ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. 50 જેટલા અધિકારીઓની બદલી થઈ છે. જેમાં અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી એમ.કે. દવેની ગાંધીનગરના કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. મોરબીના કલેક્ટર જી.ટી. પંડ્યાની દેવભૂમિ-દ્વારકાના કલેક્ટર તરીકે બદલી કરાઈ છે. જામનગરના કલેક્ટર બી.એ. શાહની બદલી વડોદરાના કલેક્ટર તરીકે કરાઇ છે. નવસારીના કલેક્ટર અમિત પ્રકાશ યાદવને ખેડા-નડિયાદમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. ગાંધીનગર ટૂરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિ.ના મેનેજિંગ ડિરેક્ટર ડો. સૌરભ ઝમસિંહ પારધીને સુરતના કલેક્ટર બનાવવામાં આવ્યા છે.
આ ઉપરાંત રાજકોટ મનપાના ડેપ્યુટી મ્યુનિ. કમિશનર અનિલ ટી. ધામેલીયાની છોટાઉદેપુરના કલેકટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. જ્યારે ગાંધીનગર સચિવાલયના ગૃહ વિભાગના સરકારના સંયુક્ત સચિવ યોગેશ બબનરાવ નિરગુડેની દાહોદના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
અમદાવાદના અધિક કમિશનર ઓફ સ્ટેટ ટેક્સના કિરણ બી. ઝવેરીની મોરબીના કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. અખઈના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર નેહા કુમારીની મહીસાગર-લુણાવાડાના કલેક્ટર બનાવવામાં આવ્યા છે.
લોકસભાની ચૂંટણી પહેલાં રાજ્ય સરકારે હરણી બોટ દુર્ઘટના કેસની તપાસ કરી રહેલા વડોદરા જિલ્લા કલેક્ટર એ.બી. ગોરની મુખ્યમંત્રી કાર્યાલયમાં ખાસ ફરજ પરના અધિકારી તરીકે નિમણૂક કરી છે અને વડોદરાના નવા કલેક્ટર તરીકે જામનગરના કલેક્ટર બી.એ. શાહની નિમણૂક કરી છે. વડોદરાના બી.એ. શાહ 2009ની બેચના સનદી અધિકારી છે.
રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીની અમદાવાદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે. રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ડો. નવનાથ ગવહાનેની નિમણૂક કરવામાં આવી છે. ડો. નવનાથ ગવહાને સ્ટેટ મેડિકલ સર્વિસીસ કોર્પોરેશનના એમડી તરીકે કાર્યરત હતા.
ગુજરાતના 50 IAS અધિકારીની બદલી અમદાવાદ DDOને ગાંધીનગરના કલેક્ટર બનાવાયા
