ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટની જે.જે.કુંડલિયા કોમર્સ કોલેજ અને જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.27મી ડિસેમ્બરના રોજ બાલભવન ખાતે મેગા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશ-વિદેશની 18 કોર્પોરેટ કંપનીઓ સહિત કુલ 50થી વધુ કંપનીમાં 3000થી 3500 જેટલા બેરોજગારને નોકરી મળે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રિન્સિપાલ પ્રીતિબેન ગણાત્રાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ધો.12થી લઇને વિવિધ ફેકલ્ટીમાં ગ્રેજ્યુએટ અને માસ્ટરનો અભ્યાસ કરનારા બેરોજગાર યુવાનો અને યુવતીઓને નોકરી માટે સારી તક મળી રહે તે માટેનું પ્લેટફોર્મ પૂરું પાડવા રોજગાર વિનિમય કચેરી સાથે મળીને અમે મેગા રોજગાર ભરતી મેળો યોજવાનું આયોજન કર્યું છે. પ્રખર શિક્ષણવિદ સ્વ.લાભુભાઇ ત્રિવેદીના શતાબ્દી વર્ષ નિમિત્તે આયોજિત આ ભરતી મેળામાં 50થી વધુ કંપનીઓ ભાગ લેશે. ભરતી મેળામાં 6 ઇન્ટરનેશનલ કંપનીઓ, 12 નેશનલ લેવલની કંપનીઓ, 20 સ્ટેટ લેવલની કંપનીઓ અને 12 લોકલ કંપનીઓ સહિત કુલ 50થી વધુ કંપનીઓના પ્રતિનિધિઓ નોકરી વાંછુકોના ઇન્ટરવ્યૂ લઇને તેમને નોકરીની ઓફર કરશે. બાલભવનના નરભેરામ હોલ ખાતે આ ભરતી મેળો યોજવામાં આવ્યો છે. રોજગાર વાંછુકો માટે આગામી તા.18મીએ કોલેજ દ્વારા રોજગાર મેળામાં ઉપસ્થિત રહેનાર કંપનીઓનું લિસ્ટ જાહેર કરાશે. આ કંપનીઓમાં કેટલી જગ્યાઓ ખાલી છે, કઇ પોસ્ટ પર ભરતી કરવામાં આવનાર છે, કેટલું પેકેજ છે, કેટલા કેન્ડિડેટની જરૂરિયાત છે સહિતની વિગતો મૂકવામાં આવશે અને એક ગૂગલ લિંક ફોર્મ અપાશે. જેમાં ઉમેદવારે પોતાનો બાયોડેટા ભરવાનો રહેશે અને કઇ કંપની માટે એપ્લાય કરે છે તેની વિગતો આપવાની રહેશે.
- Advertisement -
આ રોજગાર ભરતી મેળામાં આર્ટસ, કોમર્સ, સાયન્સ, એન્જિનિયરિંગ, આઇટી, સોફ્ટવેર સહિતના કોઇપણ ફિલ્ડના બેરોજગાર નોકરી વાંછુકો ભાગ લઇ શકે તે પ્રકારનું આયોજન કરાયું છે. ઉમેદવારને લાયકાત મુજબ નોકરી મળશે. રોજગાર મેળામાં વિવિધ પોસ્ટ પર કર્મચારીઓની ભરતી માટે વિપ્રો, ઇન્ફોસીસ, ટીસીએસ, હુન્ડાઇ, એક્સિસ બેન્ક, આઈસીઆઈસીઆઈ સહિતની અનેક પ્રતિષ્ઠિત કંપનીઓ ઉપસ્થિત રહેશે અને ઉમેદવારનો ઇન્ટરવ્યૂ લઇ નોકરી માટે પસંદગી કરશે.