કાશ્મીરનું પેકેજ કરાવ્યા બાદ 3.35 લાખનો ધુમ્બો મારી દીધો: સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં બે શખ્સો સામે નોંધાવી ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.22
- Advertisement -
રાજકોટમાં ઓનલાઈન ફ્રોડના બનતા બનાવો વચ્ચે પણ ગઠિયાઓ અટકવાનું નામ નથી લેતા અને ભોળા લોકોને શિકાર બનાવી રહ્યા છે ત્યારે રાજકોટના વધુ 5 લોકો સાથે કાશ્મીર પેકેજના નામે 3.35 લાખ પડાવી લીધાની બે શખ્સો સામે સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. રાજકોટના શિલ્પા એપાર્ટમેન્ટમાં રહેતા કૌશિકભાઇ વૃજલાલ મહેતાએ ફરિયાદ કરી હતી. જેમાં આરોપી તરીકે હિમાંશુ યાદવ અને એક અજાણ્યા સહિતના નામો આપ્યા હતા. ફરિયાદમાં જણાવ્યું હતું કે, બે વર્ષ પહેલાં તેના ફેસબુક પર મુવર્સ નામની ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની જાહેરાત જોઇ હતી અને તે જાહેરાતમાં મોબાઇલ નંબર પણ હોય અને અમારે પરિવાર સાથે કાશ્મીર ફરવા જવું હોય જેથી ફોન કર્યો હતો અને જેમાં તે હિમાંશુ યાદવ બોલતો હોવાનું અને કાશ્મીર પેકેજના રૂ.26800માં જણાવ્યું હતું અને તેને રાજકોટમાં તેના એજન્ટ તરીકે મહેશભાઇ અકબરીનું નામ આપી મોબાઇલ નંબર આપ્યો હતો બાદમાં મહેશભાઇનો સંપર્ક કરતા તેને મે માસમાં ચારધામની જાત્રામાં ટિકિટ કરી આપવાની વાત કરી હતી.
જેથી પરિવાર માટે ઓનલાઇન રૂ.93 હજાર ભરી ટિકિટ બુક કરાવી હતી. બાદમાં પિતરાઇ ભાઇ દીપકભાઇને પણ સાથે ફરવા આવવાનું હોય અને ભરતભાઇ મહેતા, હરેશભાઇ સંઘવી સહિતે કુલ રૂ.3.35 લાખ ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં અવાર-નવાર ફોન કરતા હોય, પરંતુ કોઇ પ્રત્યુત્તર આપતા ન હોય અને પેકેજની ટિકિટો પણ કરી આપી ન હતી. બાદમાં તપાસ કરતા અમારી સાથે છેતરપિંડી થયાનું બહાર આવતા ઓનલાઇન ફરિયાદ નોંધાવ્યા બાદ પીઆઇ પઢિયાર સહિતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.