રૂ.20-20 લાખનું વળતર ચૂકવવા કોર્ટનો સીમાચિહ્નરૂપ ચુકાદો, રાજકોટની કોર્ટે 5 આરોપીઓને 1-1 વર્ષની સજા અને રૂ.21-21 લાખનો દંડ ફટકાર્યો; કુલ 40 લાખની લેણી રકમ સામે વળતર સહિત 42 લાખ ચૂકવવા આદેશ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના ડોક્ટર યાજ્ઞિક રોડ પર ધંધો કરતા ફરીયાદી પ્રશાંતભાઈ હરિભાઈ ચંદારાણા પાસેથી જસદણની જલારામ કોટન એન્ડ પ્રોટીન્સ લિમિટેડ (જલારામ જીનીંગ ફેકટરી)ના ભાગીદારોએ ધંધાકીય વિકાસ માટે લીધેલ ₹40,00,000/- (ચાળીસ લાખ)ની રકમમાંથી ₹40 લાખ પરત કરવા માટે આપેલા બે ચેક રિટર્ન થવાના કેસમાં રાજકોટની મહે. એડી. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબે સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે.
આ કેસમાં કોર્ટે આરોપીઓ (1) જલારામ જીનીંગ ફેકટરી (2) આનંદભાઈ અરવિંદભાઈ પોપટ (3) જયેશ અરવિંદભાઈ પોપટ (4) ઘનશ્યામભાઈ અરવિંદભાઈ પોપટ અને (5) હર્ષદભાઈ અરવિંદભાઈ પોપટને દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે તમામ પાંચ આરોપીઓને બંને કેસોમાં એક-એક વર્ષની સજાનો હુકમ કર્યો છે. આ ઉપરાંત, પાંચેય આરોપીઓએ સંયુક્ત અને વિભક્ત રીતે ₹21-21 લાખ (કુલ ₹1 કરોડ 5 લાખ) દંડ તરીકે જમા કરાવવાનો આદેશ આપ્યો છે.
કોર્ટે ચુકાદામાં વધુમાં જણાવ્યું હતું કે, જો આરોપીઓ દંડની રકમ જમા ન કરાવે તો તેમને વધુ ત્રણ માસની સજા ભોગવવી પડશે. દંડ ઉપરાંત, આરોપીઓએ ફરીયાદી પ્રશાંતભાઈને વળતર સ્વરૂપે ₹20-20 લાખ (કુલ ₹40 લાખ) ચૂકવવા અને ₹1-1 લાખ સરકારમાં જમા કરાવવાનો હુકમ કર્યો છે. આ ચુકાદાથી ચેક રિટર્નના કેસોમાં વળતરની રકમ પરત કરવા માટે આરોપીઓને કડક સજા થઈ છે, જે કોર્ટ પરિસરમાં ચર્ચાનો વિષય બની ગયો છે.
ફરીયાદીના એડવોકેટ સુરેશ ફળદુ સહિતની ટીમે દલીલ કરી હતી કે આરોપી પક્ષ ફરીયાદીના કાયદેસરના લેણાનું ખંડન કરી શકે તેવો કોઈ પુરાવો રજૂ કરવામાં નિષ્ફળ નીવડ્યો છે. આરોપીઓએ ચેક આપ્યાનો કે સહીનો ઈન્કાર ન કર્યો હોવાથી ફરીયાદી ચેકના યથાનુક્રમે ધારણકર્તા ગણાય અને તેમની તરફેણમાં અનુમાન કરવું જોઈએ. કોર્ટે આ દલીલોને ગ્રાહ્ય રાખી ફરીયાદપક્ષનો કેસ શંકાથી પર પુરવાર માની આ સીમાચિહ્નરૂપ ચુકાદો ફરમાવ્યો હતો.



