SOGના ચેકિંગ દરમિયાન ભાંડો ફૂટ્યો : ડીપોર્ટ કરવા તજવીજ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના મોરબી રોડ ઉપર આવેલ રતનપર અને હડાળા ગામે ભાડે રહી મારવાડી યુનીવર્સીટીમાં અભ્યાસ કરતા આફ્રિકન છાત્રોની અનૈતિક પ્રવૃત્તિ સામે ગ્રામજનોએ અવાજ ઉઠાવ્યો હતો દરમિયાન પોલીસ કમિશ્નર સુધી રજૂઆત પહોચતા ગઈકાલે ક્રાઈમ બ્રાંચ અને એસઓજીએ દરોડા પાડી 150 ઘરોમાં ચેકિંગ હાથ ધર્યું હતું 300 જેટલા વિદેશી છાત્રોના વિઝા સહિતના જરૂરી ડોક્યુમેન્ટ અંગે તપાસ કરતા 5 વિદેશી નાગરિકોના વિઝા પૂર્ણ થઇ ગયા હોવાનું જાણવા મળતા તેમને અટકાયતમાં લઇ ડીપોર્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
રાજકોટના રતનપર અને હડાળા ગામે ભાડાના મકાનમાં રહેતા આફ્રિકન છાત્રો રાત્રીના સમયે ડ્રગ્સ સહિતની અનૈતિક પ્રવૃતિઓ આચરતા હોવાથી ગામમાં દુષણ ફેલાઈ રહ્યું હોય જે દુષણને ડામવા ગ્રામજનો દ્વારા પોલીસ કમિશ્નરને આવેદન પાઠવી લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી આ રજૂઆત સંદર્ભે ગઈકાલે એસઓજી પીઆઈ એસ એમ જાડેજા, ક્રાઈમ બ્રાંચ સહિતનો કાફલો વહેલી સવારે ઉપરોક્ત ગામે ધસી ગયો હતો અને સ્થાનિક લોકોની પુછતાછ કરી જે જે મકાનમાં વિદેશી છાત્રો ભાડે રહેતા હોય તેવા 150 મકાનોની યાદી તૈયાર કરી તમામ ઘરોમાં ચેકિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
આ ગામોમાં 300 જેટલા છાત્રો રહેતા હોય તમામ છાત્રોના વિઝા, પાસપોર્ટ સહિતના જરૂરી ડોક્યુમેન્ટની ચકાસણી હાથ ધરવામાં આવી હતી તમામ છાત્રોને ચેક કરતા પાંચ વિદેશી નાગરિકો સામે આવ્યા હતા.
જેઓની પાસેના વિઝા પૂર્ણ થઇ ગયા હોવા છતાં અહીં ગેરકાયદે વસવાટ કરતા હતા પોલીસે આ પાંચેય વિદેશી નાગરિકોને અટકાયતમાં લઇ તેમને ડીપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.