45 ડિગ્રી તાપમાનમાં ઠંડા પાણી અને પીણાનો ઉપયોગ વધી જાય છે.
ઘરે- ઘરે ફ્રીઝ હોવા છતાં ઉનાળો આવે એટલે નવા દેશી ફ્રીઝ ( માટલાં) ની ખરીદી કરોડ પતિથી લઇને મજૂરી કામ કરતા મજૂર કરે છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં રાજકોટ, મોરબી, વાંકાનેર,થાન પંથક સહિતના શહેરોમાં દેશી ફ્રીઝ એટલે માટલાનો વેપાર થાય છે. એક અંદાજ મુજબ ઉનાળાના ચાર મહિનામાં રોજના 2 હજારથી વધુ માટલાં ખપી જાય છે. આમ, ચાર મહિનામાં અંદાજિત રૂ. 5 કરોડનો વેપાર થાય છે. ફ્રીઝની ઠંડકને અહીં બનતા માટલાની ઠંડક બરોબરની ટકકર આપે છે. હવે તો આમા પણ આધુનિકતાનો પ્રવેશ થઇ ચૂકયો છે.તેમ આ વ્યવસાય સાથે સંકળાયેલા લક્ષ્મણભાઈ પ્રજાપતિ જણાવે છે. વધુમાં તેના જણાવ્યાનુસાર હાલ આ ઉદ્યોગને માત્ર ગૃહ ઉદ્યોગનો જ દરજ્જો મળ્યો છે.
જો તમામ પ્રકારની સહાય આપવામાં આવે, જરૂરી સુવિધા ઉભી કરવામાં આવે, ચોકકસ પ્રકારનો દરજ્જો આપવામાં આવે તો આ ઉદ્યોગની પણ આખા રાજ્યમાં એક ઓળખ બની શકે તેમ છે. જો કે પહેલાંના સમયની સરખામણીએ અત્યારની નવી પેઢીને આ વ્યવસાયમાં પૂરતી રોજી રોટી કે પોતાની ઓળખ મળતી નથી તેટલે તેઓ આ વ્યવસાયમાં જોડાતી નથી. ચાર મહિનામાં માત્ર માટલાં જ નહિ પરંતુ પાણીની બોટલ, કૂકર, બાઉલ, કૂડાં, બરણી વગેરે સહિતની ડિમાન્ડ રહે છે. આ ચાર મહિનામાં જે વેપાર થાય તે આખા વર્ષનો જ વેપાર ગણી શકાય. બાકીના 8 મહિનામાં તો છૂટક -છુટક વેપાર ચાલે છે.