વ્યાજખોર બેલડી સામાન ભરી લઈ જવાની, દુકાન બંધ કરાવી દેવાની ધમકી આપી
મેટોડા પોલીસમાં ક્ષૌરકર્મી યુવાને નોંધાવી પોલીસ ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના મેટોડામાં બેફામ બનેલા વ્યાજખોરોએ સલૂન સંચાલકને આપેલ પૈસાનું 48 ટકા વ્યાજ માંગી સમાન ભરી જઈ દુકાન બંધ કરાવી દેવાની ધમકી આપતા મેટોડા જીઆઈડીસી પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મેટોડાની બાલાજી સોસાયટીમાં રહેતા અને સહયોગ કોમ્પલેક્ષમાં ચેમ્પિયન હેર ડ્રેસર નામે દુકાન ધરાવતા મેહુલ રાજેશભાઇ ભટ્ટી ઉ.25એ રાહુલ ઉર્ફે ગાંડુ અને તેના ભાઈ મનીયા બાબુતર સામે મેટોડા પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરી અંગે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે મારા પિતા ભાડાની રીક્ષા ચલાવે છે મારા માતા રેખાબેન મસાલા કંપનીમાં મજુરી કામ કરે છે મારાથી નાનો ભાઈ અજય મારી સાથે સલુનમાં મદદ કરે છે. ત્રણેક મહીના પહેલા મારા પિતા બીમાર પડતા રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરતાં 25 હજારની જરૂરત હોય મારી દુકાનની બાજુમાં ચા નો ધંધો કરતા ચીભડાના રાહુલ ઉર્ફે ગાંડુ બાબુતરને પૈસાની જરૂરીયાત બાબતે વાત કરી હતી તો તેણે મને કહેલ કે, હું તને 25 હજાર આપુ પણ એ માટે તારે રોજના 400 એમ મહિનાના રૂ. 12,000 વ્યાજ આપવું પડશે રૂપીયાની ખુબ જ જરૂરીયાત હોય જેથી વ્યાજે 25 હજાર લીધા હતા જે પછી તે રોજ મારી દુકાને આવી રૂ. 400 વ્યાજ લઇ જતો હતો.
મેં તેને વ્યાજના રૂ.12,000 ચુકવેલ હતા. ત્યારબાદ હું ગાંડુને વ્યાજ આપી શકતો નહોતો. જેથી તે મારી દુકાને આવી મારી પાસે બળજબરી પુર્વક પૈસા માંગતો હતો પૈસા નહીં આપે તો તારી દુકાન બંધ કરાવી દઈશ. તારી ખુરશીઓ ભરી જઈશ તેવી ધમકીઓ આપતો હતો જેથી હું કંટાળીને ગાંધીધામ ખાતે મારા ઓળખીતા જશુભાઈની પાનની દુકાને નોકરી કરવા જતો રહ્યો હતો પરંતુ મારા પિતાની તબીયત સારી રહેતી ન હોય દશેક દિવસમાં પરત મેટોડા આવી ગયો હતો ત્યાર બાદ ગાંડુ સાથે વાત કરી 25 હજારના 40,000 આપવાના અને દર મહિને 5000નો હપ્તો આપવાનું નક્કી કરી સમાધાન કરેલ હતુ. જેથી રૂ.5,000/- ના બે હપ્તા એમ 10,000 આપ્યા હતા હજુ મારી પાસે રૂ.30,000 માંગે છે. એક મહિના અગાઉ અમારે ફરીથી પૈસાની જરૂરત હોય આ ગાંડુના નાનાભાઈ મનીયા બાબુતર પાસેથી રૂ.25,000 વ્યાજે લીધેલ તેમ પણ 400 વ્યાજ નક્કી થયેલ હતું એક મહિનામાં 12,000 ચુકવેલ છે. અને જો ક્યારેક રૂ.400 આપવાનું ચુકાય જાય તો બીજે દિવસે રૂ.400 પેનલ્ટી તરીકે વધારાના રૂપીયા વસુલ કરે છે ત્રણ મહિનાના ટુંકા ગાળામાં ગાંડુભાઈને 22,000 તથા તેના નાના ભાઈ મનીયાને એક મહિનામાં જ 12,000 વ્યાજ ચુકવેલ છે મેં મૂળ રકમ લઈ બાકીનું વ્યાજ માફ કરવા આ બંને સાથે વાત કરી પણ બંનેએ કહ્યું કે, વ્યાજ સહિત રકમ નહીં આપે તો તારી દુકાનનો સમાન ભરી લેશું અને તારી દુકાન બંધ કરાવી દેશું. ફરિયાદ પરથી પોલીસે ગુનો દાખલ કરી બંને આરોપી ભાઈઓની ધરપકડ કરવા તજવીજ કરી હતી.