નેશનલ હાઇ-વે પર કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરનું લેન્ડિંગ થયું
જિલ્લા કલેક્ટરના માર્ગદર્શનમાં સ્થળાંતરીતો માટે ભોજનની વ્યવસ્થા કરી આરોગ્યની ચકાસણી કરાઈ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.29
પોરબંદર સહિત રાજ્યભરમાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી હોવાના પગલે ગઈકાલથી જ સતત વરસાદ વરસી રહ્યો છે. પોરબંદર જિલ્લામાં અવિરત વરસાદ પડી રહ્યો હોવાની સ્થિતિમાં જિલ્લા વહીવટીતંત્ર પણ સતર્ક અને સાવચેત છે. પોરબંદર તથા ઉપરવાસના જિલ્લાઓમાં ભારે પવન સાથે સતત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદની સ્થિતિમાં લોકોને કોઈ પ્રકારની અગવડતા ન પડે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જોખમી વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.
તા. 28 ઓગષ્ટને બુધવારના દિવસે 4 વાગ્યા સુધીમાં 474 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આશ્રય સ્થાનોમાં સ્થળાંતરીતોને આશ્રય આપી તેઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી અને આરોગ્ય વિભાગની ટીમો દ્વારા સ્થળાંતરીતોના સ્વાસ્થ્યની પણ ચકાસણી કરવામાં આવી હતી. પોરબંદર જિલ્લાની ભાદર નદીમાં સતત પુરને લીધે વાડી વિસ્તારના મકાનો ફરતે પાણીની સપાટી વધતા માલ ગામેથી બે વ્યક્તિઓને કોસ્ટ ગાર્ડ દ્વારા એર લીફ્ટિંગ કરી સલામત રીતે બહાર લાવવામાં આવી હતી. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ પોરબંદર જિલ્લા કંટ્રોલરૂમ ખાતેથી સંપર્ક વિહોણા ગામ ઉપર દેખરેખ અને કોમ્યુનિકેશન કરી સતત મદદ પહોંચાડવામાં આવી રહી છે.