દર્દી લૂંટાતા બચે તે માટે 5 માઈક્રોબાયોલોજિસ્ટની કમિટીની રચના કરીને ભાવ નક્કી થશે પછી આરોગ્ય વિભાગ હુકમ કરશે
સી કેટેગરીના દર્દીના ટેસ્ટ કરવાની સૂચના હોવા છતાં કમાણી કરવા સામાન્ય લક્ષણોના દર્દીઓના સેમ્પલ લેતી ખાનગી લેબ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
કોરોના બાદ હવે સિઝનલ ફ્લૂના નવા વેરિયન્ટ H3N2 ને લઈને લોકોમાં જાગૃતિ આવે તે માટે તંત્ર મહેનત કરી રહ્યું છે. જોકે આ રોગચાળામાં પણ કેટલીક ખાનગી લેબોરેટરીએ કમાણીની તક શોધી લીધી છે અને અમુક તબીબોના આધારે નિયમ વિરુદ્ધ ટેસ્ટિંગ કરીને રિપોર્ટ દીઠ 4500થી 5500 રૂપિયા તોડી રહી છે.
આ પ્રવૃત્તિને લઈને હવે સિઝનલ ફ્લૂના ટેસ્ટ માટે ભાવ બાંધણું કરીને ઉઘાડી લૂંટ પર નિયંત્રણ લાવવાનું નક્કી કરાયું છે.
H3N2 ના કેસમાં સીધા કોઇ પણના ટેસ્ટ કરી શકાતા નથી. સૌથી પહેલા કોરોના અને H3N2 ના ટેસ્ટ કરાય છે અને સારવાર કરાય છે. જો દર્દી ગંભીર હોય અથવા તો કેટેગરી સી એટલે કે અગાઉથી કેન્સર, એઈડ્સ કે ઓર્ગન ફેઈલ્યોરની બીમારી હોય હાઈરિસ્ક ડિલિવરી હોય તે જ કેટેગરીના દર્દીના સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલવાના છે જો ખાનગી લેબ કે ખાનગી હોસ્પિટલમાં આવા દર્દી હોય તો સેમ્પલ મોકલીને તેની જાણ લગત આરોગ્ય તંત્રને કરવી તેવી ગાઈડલાઈન કેન્દ્ર સરકારે નક્કી કરી છે.
આ નિયમનું પાલન માત્ર સરકારી હોસ્પિટલમાં જ થતું હોય તેવી સ્થિતિ છે કારણ કે ખાનગીમાં બેફામ ટેસ્ટ થઈ રહ્યા છે. ખાનગી હોસ્પિટલમાં જે પણ દર્દી નિદાન માટે જાય અને હળવા લક્ષણો હોય તો પણ H3N2 ના રિપોર્ટનો આગ્રહ કરાય છે અને ખાનગી લેબમાં મોકલી દેવાય છે અને ત્યાં રિપોર્ટ દીઠ 4500થી 5500 રૂપિયા લેવામાં આવે છે. આ દર્દી કેટેગરી સી માં આવતું ન હોવાથી આ ટેસ્ટના કોઇ પણ રેકોર્ડ મનપાની આરોગ્ય શાખા કે જિલ્લા આરોગ્ય વિભાગને મોકલાતા નથી તેથી જો કોઇ કેસ પોઝિટિવ હોય તો પણ તંત્રને ધ્યાને આવતું નથી.
- Advertisement -
આ ગંભીર બેદરકારી માત્રને માત્ર ખાનગી લેબ ટેસ્ટમાંથી વધુ પડતી કમાણી અને મેડિકલ માફિયાઓને કમિશન ચૂકવવા માટે કરી રહી છે તેવી બૂમ ઉઠતા આરોગ્ય વિભાગ સાબદું થયું છે અને ખોટા ટેસ્ટ મારફત થતા લોકોના પૈસાનો વ્યય અટકાવવા માટે ટેસ્ટના ભાવ બાંધણા કરવાનો નિર્ણય કરાયો છે. આ માટે મેડિકલ કોલેજના 3 માઈક્રોબાયોલોજિસ્ટ સહિત કુલ 5 માઈક્રોબાયોલોજિસ્ટની ટીમ બનશે જે ભાવ નક્કી કરશે અને આરોગ્ય વિભાગ હુકમ કરશે. અધિક નિયામક નિલમ પટેલે જણાવ્યું હતું કે, બેઠકમાં ચર્ચા બાદ સી કેટેગરીના દર્દીના સેમ્પલ લેવા જ સૂચના અપાઈ છે. નિયમભંગ કરનાર સામે કાર્યવાહી અંગે સરકારમાંથી મંજૂરી આવ્યા બાદ પગલાં લેવાશે.