બી ડીવીઝનના મહિલા પોલીસ કોન્સ્ટેબલને હોસ્પિટલમાં ખસેડાયા : 13 દિવસમાં પોલીસ વિભાગના 44 કર્મચારીઓ સંક્રમિત
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેર પોલીસ વિભાગમાં કોરોના વિસ્ફોટ જોવા મળ્યો છે. છેલ્લા 13 દિવસમાં રાજકોટ શહેર પોલીસ વિભાગના 44 પોલીસ કર્મચારીઓ સંક્રમિત થયા છે. જેમાં ડીસીપી, એસીપી, પીઆઈ, પીએસઆઈ અને અન્ય કર્મચારીઓ મળી 44 કોરોના પોઝીટીવ આવતા તેઓને હોમ આઈસોલેટ કરવામાં આવ્યા છે. બી ડીવીઝન પોલીસ મથકના મહિલા કોન્સ્ટેબલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
હાલ દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે ત્યારે પોલીસકર્મી અને અધિકારીઓ ફ્રન્ટલાઈન વોરિયર્સ તરીકે ફરજ બજાવતા હોય અગાઉ કોરોનાની લહેરમાં અનેક પોલીસ કર્મીઓ અને અધિકારીઓ પોતાનો જીવ ગુમાવ્યો છે અને શહીદ થયા છે ત્યારે હાલ ચાલી રહેલી લહેરમાં ફરી એક વખત પોલીસ કર્મીઓ અને અધિકારીઓ ઝપેટમાં આવ્યા છે. રાજકોટનાં ઝોન-1ના ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એસ.બી. પટેલ, પીઆઈ એમ.એન. બોરીસાગર, મહિલા પીએસઆઈ હર્ષાબા ગઢવી તેમજ અન્ય બે પીએસઆઈ સહિત કુલ 44 પોલીસ કર્મીઓને કોરોનાનું સંક્રમણ આવતા તેમને હોમ આઈસોલેટ કરવામાં આવ્યા છે.
- Advertisement -
મોટાભાગના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ કોરોનાની બંને ડોઝ લઇ લીધેલા હોય છતા પણ કોરોના સંક્રમીત થયા હોય તેઓને હાલ ઘરે જ હોમ આઈસોલેટ કરવામાં આવ્યા છે. જો કે બી ડીવીઝન પોલીસ મથકના મહિલા કોન્સ્ટેબલની તબીયત વધુ લથડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે ત્યારે ફ્રન્ટલાઈન વોરિયર્સ તરીકે ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને તાવ-શરદી કે ઉધરસ અન્ય કોઇ લક્ષણો દેખાય તો તાત્કાલીક નજીકના આરોગ્ય કેન્દ્રમાં તેમને ટેસ્ટ કરાવી લેવા પોલીસ અધિકારીઓએ સૂચના આપી હોય જેને પગલે ગત તા. 7 જાન્યુઆરીથી લઇ 20 જાન્યુઆરીમાં 13 દિવસમાં 44 પોલીસ કર્મીઓનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.