ગુજરાત સરકાર દ્વારા પ્રિ-સ્કૂલોની નોંધણી માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ આ નિયમો અત્યંત કડક હોવાથી પ્રિ-સ્કૂલ સંચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેના વિરોધમાં 40 હજાર પ્રિ-સ્કૂલોના સંચાલકો હડતાળ પર ઉતર્યા છે. ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રિ-સ્કૂલ ઍસોસિયેશન દ્વારા રાજ્યના મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી સહિતના અધિકારીઓને રજૂઆત કરીને આ નિયમોમાં ફેરફાર કરવાની માંગ કરવામાં આવી છે.
આ મુદ્દે આજે ગુજરાતની તમામ પ્રિ-સ્કૂલના સંચાલકો અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે એકઠા થયા છે. રિવરફ્રન્ટ ખાતે વડોદરા, રાજકોટ, સુરત અને મોરબી સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પ્રિ-સ્કૂલના સંચાલકો એકઠા થયા છે. ત્યારબાદ અહીંથી ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને આવેદનપત્ર આપવા માટે ગાંધીનગર ખાતે પહોંચશે. સરકાર દ્વારા ઘડવામાં આવેલા નવા નિયમોમાં મકાન માલિકી અંગેની શરતો અને ભાડાના કરાર અંગેના નિયમો ખૂબ કડક છે. જેના કારણે ઘણા પ્રિ-સ્કૂલ સંચાલકો નોંધણી કરાવી શકશે નહીં. નવા નિયમોમાં કેટલીક વિસંગતતાઓ છે જેના કારણે પ્રિ-સ્કૂલ સંચાલકોને મુશ્કેલી પડી રહી છે.
- Advertisement -
નવા નિયમો અને ગાઇડલાઇન માટે સરકાર આરંભે શૂરી
રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ સરકાર ઉંઘ ઉડી છે. રાજ્યમાં જ્યારે મોટી દુર્ઘટના સર્જાય છે ત્યારે સરકાર અને તંત્ર અચાનક જ હરકતમાં આવી જાય છે. જેના અનેક ઉદાહરણો આપણી સમક્ષ છે. જ્યારે આગની દુર્ઘટના બને છે ત્યારે ફાયર સેફ્ટીને લઇને નિયમો કડક બને છે અને રેડ પાડવાનું શરૂ કરવામાં આવે છે. તાજેતરમાં વડોદરા બોટકાંડની ઘટના બાદ શાળા દ્વારા પ્રવાસના આયોજનને લઇને નવી ગાઇડલાઇન બહાર પાડવામાં આવી હતી. તાજેતરમાં ખ્યાતિકાંડ બાદ હોસ્પિટલોનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. રાજ્યમાં જ્યારે જ્યારે મોટી દુર્ઘટના સર્જાય ત્યારે સરકાર દ્વારા અનેકવાર આ પ્રકારે નવા નિયમો અને ગાઇડલાઇન બહાર પાડવામાં આવે છે. પરંતુ તેની અમલવારીનું સૂરસૂરિયું નિકળી જતું હોય છે. બધુ તરખટ થોડોક સમય ચાલે છે, પરંતુ સમય જતાં બધા જ નિતિ નિયમો અને ગાઇડલાઇન નેવે મૂકી દેવામાં આવે છે. નવા નિયમો અને ગાઇડલાઇન જાહેર થતાં તંત્રને ‘વહિવટી પાણી’ માટે માર્ગ મોકળો બની મળી જાય છે, ચા-પાણીના વહેવારો વધી જાય છે અને બધું જ પોલમપોલ ચાલ્યા કરે છે. રાજ્યમાં ફરી જૈસે થે જેવો ઘાટ સર્જાતો જોવા મળે છે.
પ્રિ-સ્કૂલના સંચાલકોની શું છે માંગ?
- Advertisement -
– સરકાર આ નિયમોમાં ફેરફાર કરીને પ્રિ-સ્કૂલ શિક્ષણને સરળ અને સસ્તું બનાવે આ નિયમોમાં (બીયુ)બિલ્ડિંગ પરમિટ, ભાડા કરાર અને ટ્રસ્ટ નોંધણી જેવા મુદ્દાઓ સામેલ છે, જેને લઈને પ્રિ-સ્કૂલ સંચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે.
– મકાન માલિકી અંગેના નિયમોમાં છૂટછાટ આપવામાં આવે, ભાડાના કરાર અંગેના નિયમોમાં સરળતા આપવામાં આવે અને પ્રોપરાઇટરશિપ અથવા ભાગીદારીના વિકલ્પને પણ મંજૂરી આપવામાં આવે.
– સરકારે નવા નિયમોમાં ફેરફાર કરવાની જરૂર છે. જેથી કરીને પ્રિ-સ્કૂલો સરળતાથી નોંધણી કરાવી શકે અને નાના બાળકોને સારું શિક્ષણ મળી શકે.
સંચાલકોના મતે નવા નિયમોની શું થશે આડ-અસર
– નવા નિયમોને લીધે ઘણા પ્રિ-સ્કૂલ બંધ થઈ શકે છે. જેના કારણે નાના બાળકોના શિક્ષણ પર માઠી અસર પડશે. તેમજ ઘણી મહિલાઓની રોજગારી પણ જોખમમાં મૂકાશે.
– પ્રિ-સ્કૂલો બાળકોના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ મહત્ત્વના છે. પ્રિ-સ્કૂલમાં બાળકોને શિક્ષણ ઉપરાંત સામાજિક કુશળતા, સર્જનાત્મકતા અને ભાવનાત્મક વિકાસ જેવી અન્ય ઘણી બધી કુશળતા શીખવા મળે છે.
– નવા નિયમોના કારણે ઘણા પ્રિ-સ્કૂલ બંધ થવાની સ્થિતિમાં છે. જેના કારણે નાના બાળકોના શિક્ષણ પર અસર પડી રહી છે. આ ઉપરાંત, આ નિયમોને કારણે પ્રિ-સ્કૂલ શિક્ષણ મોંઘુ બનશે અને સામાન્ય માણસ માટે પ્રિ-સ્કૂલ શિક્ષણ મેળવવું મુશ્કેલ બનશે.
નાના ભૂલકાંઓની સુરક્ષાને કોરાણે મૂકીને પ્રિ-સ્કૂલ સંચાલકોને કમાણી કરવામાં જ રસ?
રાજકોટ-વડોદરાની 500-500 અને સૂરતની 2000 સ્કૂલ હડતાળમાં જોડાઈ
રાજકોટની પ્રિ સ્કૂલ એસોસિએશનના પ્રેસિડેન્ટ મિલન જોશીએ જણાવ્યું હતું કે, રાજકોટમાં 35 વર્ષથી પ્રિ સ્કૂલો ચાલી રહી છે. રાજકોટમાં 500 પ્રિ સ્કૂલ ઉપર 25000 જેટલી મહિલાઓ નિર્ભર છે. સરકાર દ્વારા જે પોલીસી ઘડવામાં આવી છે તેમાં ઉચિત ફેરફારો કરવામાં આવે તેવી અમારી માંગણી છે. સૌથી પહેલો પ્રશ્ર્ન બિલ્ડીંગ યુઝ પરમિશનનો છે. જે રહેણાંકની રેસીડેન્સીયલ બીયુ પરમિશન હોય છે પરંતુ નિયમ એજ્યુકેશન બિલ્ડીંગ યુઝ પરમિશન લેવાનો છે. પ્રી સ્કૂલ ઘરની નજીક હોય છે જેથી નાના બાળકોને ત્યાં મોકલવામાં વાલીઓને કોઈ સમસ્યા થતી નથી. બાળકોને ઘરની બહુ દૂર પણ મોકલવા પડતા નથી જેથી ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ બચી જાય છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમારી માગણી એવી છે કે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ માન્ય રાખવું જોઈએ. આ ઉપરાંત 15 વર્ષના ભાડા કરારનો જે નિયમ છે તેને બદલે અમારી માંગણી એવી છે કે 11 માસનો રજીસ્ટર ભાડા કરાર માન્ય રાખવામાં આવે. આ ઉપરાંત વર્ગ દીઠ રૂ. 5,000 ની ફી રાખવામાં આવી છે તે સ્કૂલ દિઠ રાખવામાં આવે તેવી અમારી માંગણી છે. મોટા ભાગે પ્રિ સ્કૂલ મહિલા સંચાલિત હોય છે જેથી તેના ટ્રસ્ટનું ઓડિટ કરવાનું, રિટર્ન ભરવાનું તે તમામ પ્રકારની પ્રોસેસ ખૂબ જ અઘરી બને છે.
મવડીમાં ડિઝની કિડઝ કિંગડમ ધરાવતા પ્રીતિબેન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રિ સ્કૂલો છે જ્યાં 2 લાખ મહિલાઓ કામ કરે છે. જેથી આ કડક નિયમોથી સૌથી પહેલો પ્રશ્ર્ન તો એ છે કે મહિલાઓની સ્વરોજગારી છીનવાઈ જશે. તેની સાથે સાથે વાલીઓને પણ પ્રશ્ર્ન છે. 3 થી 6 વર્ષનું બાળક એટલું નાનું હોય છે કે તેને વાલીઓ ઘરથી બહુ દૂર સુધી મોકલી શકતા નથી. ટ્રાન્સપોર્ટેશનમાં અડધો કલાક પહોંચવામાં થાય તો મુશ્ર્કેલી પડે. જેથી નાના બાળકો માટે ઘરની નજીકની પ્રિ સ્કૂલનો ઓપ્શન સારો છે. રાજકોટની 90 ટકા પ્રિ સ્કૂલની પ્રીમાઈસીસ ભાડા ઉપર ચાલે છે. તો આ કડક નિયમથી ભાડા પર ચાલતી પ્રિ સ્કૂલ બંધ થશે તો શું નાના બાળકો ઘરની દૂર આવેલી સ્કૂલો ઉપર જઈ શકશે ? અમે આ બાબતે મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી ઉપરાંત કલેકટર સહિતનાને રજૂઆત કરેલી છે.
રાજ્ય સરકાર દ્વારા પ્રિ-સ્કૂલ ચલાવવા માટે તમામ પ્રિ-સ્કૂલ સંચાલક પાસે સ્થળ પરનું ઇઞ પરમિશન 15 વર્ષનું રજિસ્ટર્ડ લીઝ અગ્રીમેન્ટ વગેરે ફરજિયાત પણે હોવું જરૂરી છે તેની સામે ગુજરાત પ્રિ સ્કૂલ એસોસિએશન દ્વારા 15 વર્ષનું લીઝ અગ્રીમેન્ટ હોવું તે શક્ય નથી. કારણ કે પ્રિ-સ્કૂલ એ ખૂબ જ નાનુ એકમ છે અને તેના માટે 15 વર્ષ માટે કોઈ પણ આપી શકે તેમ નથી. કારણકે મોટા ભાગની પ્રિ-સ્કૂલ નાના ઘરમાં અથવા તો બંગલોમાં ચાલતી હોય છે. તેથી 11 મહિનાનું ભાડા કરાર થઈ શકે. પરંતુ 15 વર્ષ માટે લીઝ અગ્રીમેન્ટ મળી શકે તેમ નથી. ગુજરાત સ્કૂલ એસોસિએશનના જનરલ સાકરેટરી સાગર નાયકે વધુમાં જણાવ્યું હતું કે, આજે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ વડોદરા, સુરત રાજકોટ મોરબી સહિતના જિલ્લાઓમાંથી પ્રિ-સ્કૂલસંચાલકો એકઠા થયા છે અને અહીંયા થી ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને આવેદનપત્ર આપવા માટે પહોંચીશું.
ગુજરાત પ્રી સ્કૂલ એસોસિએશનના કમિટી મેમ્બર હીર રાવલ એ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા પ્રિ- સ્કૂલ ચલાવવા માટે કેટલીક માગણી કરવામાં આવી છે જેમાંથી કેટલીક યોગ્ય છે પરંતુ કેટલીક શક્ય થઈ શકે તેમ નથી. કારણ કે કોઈપણ ઘર અથવા બંગલોમાં ચાલતી પ્રિ સ્કૂલ માટે ભાડા ઉપર જ જગ્યા રાખવામાં આવે છે. કારણ કે અમારી એટલી મોટી સંસ્થા નથી કે, અગાઉથી જ 15 વર્ષ માટે લીઝ અગ્રીમેન્ટ કરી શકીએ. આ ઉપરાંત અગાઉથી આ પ્રકારે એગ્રીમેન્ટ કરવા માટે આર્થિક રીતે પણ સક્ષમ નથી. અમે શરૂઆતથી જ કોમર્શિયલ અને પ્રોફેશનલ ટેક્સ ભરીએ જ છીએ. પરંતુ હવે ઇઞ પરમિશન સર્ટિફિકેટ માંગવામાં આવે છે તમામ જગ્યા ઉપર શક્ય હોતું નથી તથા પ્રિ- સ્કૂલનું એટલું મોટું ટર્નઓવર પણ હોતું નથી કે રાજ્ય સરકારની તમામ નિયમોની માંગ પૂર્ણ થઈ શકે તેથી એક સાથે મળીને આજે એક દિવસ પ્રિ-સ્કૂલ બંધ રાખવાનો નિર્ણય લઈને મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા ઘડવામાં આવેલા પ્રિ -સ્કુલોને લઈને જે નિયમો ઘડવામાં આવ્યાં છે તેના વિરોધમાં આજે પ્રિ સ્કુલ વેલ્ફેર એસોસિયેશન દ્વારા આજે વડોદરા સહિત રાજ્યભરની પ્રિ -સ્કૂલોમાં હડતાલ પાડવામાં આવી છે. વડોદરા શહેરમાં આજે 500થી વધુ પ્રિ-સ્કૂલ બંધ છે અને 40થી 50 હજાર વિદ્યાર્થીઓ આજે પ્રિ-સ્કૂલમાં જઈ શક્યા નથી. જો કે, વાલીઓને મુશ્ર્કેલી ન પડે તે માટે ડે કેર ચાલુ રાખવામાં આવ્યા છે. ગુજરાતના હજારો પ્રિ-પ્રાઇમરી સ્કૂલ બંધ છે, જેમાં સૂરતના અંદાજે 2000 શાળાઓનો સમાવેશ થાય છે. સરકારે લાગુ કરેલા કડક નિયમોના કારણે, જ્યાં રોજ પ્રિ પ્રાઇમરી શાળાઓમાં બાળકોની રમત-ગમત જોવા મળતી હતી, ત્યાં આજે એકદમ શાંતિ જોવા મળી. શાળાઓ ખાલી પડી હતી અને બાળકો આજે શાળામાં આવ્યા નહોતાં.