ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળમાં ભાલકા મંદિર પાસે ઉમીયા ટીમ્બર્સ નામની લાટીમાંથી છેલ્લા ઘણા સમયથી પ્લાયવુડની સીટો ચોરાઇ રહી હતી. જે અંગેની ફરિયાદ બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન બાતમીના આધારે એલ.સી.બી.ના પી.આઇ. એ.બી.જાડેજા, પી.એસ.આઇ. વી.કે.ઝાલાએ સ્ટાફ સાથે શહેરમાં આઇ.ડી. ચૌહાણ સ્કૂલ પાસે આવેલ એક અવાવરૂ ડેલમાં દરોડો પાડ્યો હતો.
ત્યાંથી ચોરી કરેલ પ્લાયવુડની સીટોના જથ્થા સાથે જુનેદ ઉર્ફે કીંગ બાબુ સુમરા રહે.ગોવિંદપરા, અલ્તાફ અલ્લારખા અગવાન રહે.ભાલકા, અબ્દુલ કાદીર ઉર્ફે પેપ્સી ઇસ્માઇલ સેલત રહે.મદીના પાર્ક, સલમાન સલીમ પંજા રહે.ગરીબ નવાઝ કોલોની વાળાને ઝડપી પાડેલ હતા. ત્યાં ડેલામાંથી ચોરી કરેલ 163 નંગ પ્લાયવુડની સીટો તથા છોટાહાથી, 4 મોબાઇલ મળી કુલ રૂ.1,46,700નો મુદામાલ જપ્ત કર્યો હતો. આ તસ્કરોની પુછપરછમાં તસ્કર જુનેદ ઉર્ફે કીંગ બાબુ સુમરા અગાઉ લાટીમાં કામ કરતો હોવાથી સ્થળ અને લાટીના ગોડાઉનથી વાકેફ હતો. જેને લઈ રાત્રીના સમયે જુનેદ તેના અન્ય ત્રણ સાથી મીત્રો સાથે લાટીની દિવાલ કુદી અંદર પ્રવેશીને ગોડાઉનમાં રહેલ પ્લાયવુડની સીટો ચોરી કરતો હતો. બાદમાં દરવાજો ખોલીને છોટાહાથી અંદર લઈ તેમાં સીટો ભરીને નાસી જતો હોવાની કબુલાત પોલીસને આપેલ હતી.