અમદાવાદના સપ્લાયરને શંકાનો લાભ: SOGએ પાડ્યો હતો દરોડો
સજા ઉપરાંત 1 લાખનો દંડ ફટકારતી સ્પેશિયલ કોર્ટ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં 2018માં શહેર એસઓજીએ બાતમી આધારે દરોડો પાડી ચાર શખ્સોને 8 કિલો ચરસ સાથે દબોચી લીધા હતા અને આ અંગે ભક્તિનગર પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી દરમિયાન આ કેસ ચાલી જતા ચાર શખ્સોને એનડીપીએસના ગુનામાં તકસીરવાન ઠેરવી 20-20 વર્ષની સજા અને 1 લાખ દંડનો હુકમ સ્પેશ્યલ કોર્ટે કર્યો છે જ્યારે અમદાવાદના સપ્લાયરને શંકાનો લાભ આપવામાં આવ્યો છે.
રાજકોટ શહેર એસઓજીની ટીમ 2018માં પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફને ખાનગીરાહે મળેલી બાતમી આધારે જંગલેશ્વર શેરી નંબર 13/19માં રહેણાંક મકાનમાં અને શેરી નંબર 11ની ઓરડીમાં દરોડો પાડ્યો હતો અને દરોડા દરમિયાન 8 કિલો ચરસ મળી આવતા લાખો રૂપિયાનું ચરસ કબજે કરી ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી મહેબૂબ ઓસમાણ ઠેબા, ઇલયાસ હારુન વોરા, જાવેદ ગુલમહમદ દલ અને રફીક હબીબ લોયાની ધરપકડ કરવામાં આવી હતી આ અંગે પીઆઈ વી કે ગઢવી અને રાઇટર નિલેશભાઈ મકવાણાએ તપાસ આરંભી હતી અને ચાર્જશીટ કોર્ટમાં ફાઇલ કરી હતી દરમિયાન આ કેસ ચાલી જતા સરકારી વકીલ એસ કે વોરાની રજૂઆત, દલીલો અને પુરાવાને ધ્યાને લઈ સ્પેશ્યલ કોર્ટના અધિક સેસન્સ જજ બી બી જાદવએ ઉપરોક્ત ચાર આરોપીઓને 20 વર્ષની સજા અને 1 લાખનો દંડનો હુકમ કર્યો છે જ્યારે આ કેસમાં સપ્લાયર તરીકે અમદાવાદના શકીલ શહીદ સૈફીનું નામ ખૂલ્યું હતું તેની પણ ધરપકડ કરવામાં આવી હતી જો કે શકીલને શંકાનો લાભ આપી છોડી મૂકવામાં આવ્યો હતો.
- Advertisement -