ગુજરાતમાં બે દિવસ અતિભારે વરસાદની આગાહી
ખાસ-ખબર ન્યૂઝ ગીર-સોમનાથ
- Advertisement -
હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ એટલે કે 19 ઓગસ્ટથી 25 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. રાજ્યમાં એક સાથે પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે આવતીકાલે અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ રેડ એલર્ટ રહેશે. આ ઉપરાંત, અનેક જિલ્લાઓ માટે ઓરેન્જ અને યેલો એલર્ટ પણ જારી કરાયા છે. આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે, અને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથના સુત્રાપાડામાં 11.30 ઇંચ, વેરાવળમાં 5.67, કોડિનારમાં 4.96, ગીર ગઢડામાં 4.48 અને ઉમ્બરગાંવમાં 4.72 ઇંચ વરસાદ નોંધાયો છે. સવારના 6થી 2 વાગ્યા સુધીમાં ગુજરાતના 23 તાલુકામાં અડધા ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે ત્યારે જૂનાગઢ જિલ્લામાં પણ ધોધમાર વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને, આજે સવારે 6 થી 10 વાગ્યાના ગાળામાં જૂનાગઢના માંગરોળ તાલુકામાં સૌથી વધુ ચાર કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ભારે વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોનું જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બન્યું છે અને અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. જ્યારે હાલ જટાશંકર અને વિલિંગ્ડન ડેમ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. માંગરોળ તાલુકામાં પડેલા અનરાધાર વરસાદના કારણે ખેતરોનું પાણી રસ્તાઓ પર ફરી વળ્યું છે. જૂનાગઢ-કેશોદ-માંગરોળ સ્ટેટ હાઇવે પર પણ પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. વલ્લભગઢ નજીક રસ્તા પર પાણી ફરી વળતા થોડા સમય માટે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. જોકે, પાણી ઓસર્યા બાદ વાહનવ્યવહાર ફરી પૂર્વવત થયો છે.