માંગરોળ, માળિયામાં અઢી ઇંચ, જૂનાગઢ શહેરમાં બે ઇંચ વરસાદ : સોનરખ નદીમાં પુર
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ હેત વરસાવ્યું છે અને સોનરખ નદીમાં પુર આવ્યું છે. અષાઢી બીજનાં દિવસે જૂનાગઢ જિલ્લામાં એકથી 3 ઇંચ સુધી વરસાદ થયો હતો. અષાઢી બીજનાં બીજા દિવસ પણ સવારથી મેઘકૃપા અવિરત વરસી રહી છે. જૂનાગઢ શહેર ઉપરાંત જિલ્લામાં સર્વત્ર વરસાદ થયો છે. આજે સવારથી જૂનાગઢ જિલ્લાનાં તમામ તાલુકાનાં વરસાદ વરસી રહ્યો છે. જેમાં માણાવદર તાલુકામાં બપોરનાં 12 વાગ્યા સુધીમાં ધોધમાર ચાર ઇંચ વરસાદ ખાબકી ગયો હતો.વરસાદનાં પગલે ઠેરઠેર પાણી ભરાઇ ગયા હતાં. વંથલીમાં પણ 3 ઇંચ વરસાદ થયો હતો. જૂનાગઢ જિલ્લામાં અષાઢી માહોલ જામ્યો છે. ગઇકાલથી શરૂ થયેલી મેઘરાજાનાં બેટીંગ આજ બીજા દિવસે પણ ચાલું છે. ગઇકાલે મેઘરાજાએ અષાઢી બીજનું શુકન સાચવ્યાં બાદ વરસાદે વિરામ લીધો નથી. ગઇકાલે જૂનાગઢમાં બપોરથી વરસાદ પડવાનું શરૂ થયું હતું. મોડી રાત્ર સુધીમાં જિલ્લામાં 3 ઇંચ સુધી વરસાદ થઇ ગયો હતો. રાત્રીનાં પણ વરસાદી ઝાંપટા પડતા રહ્યાં હતાં. બાદ આજે સવારથી વરસાદી માહોલ જામ્યો છે.જૂનાગઢ શહેર ઉપરાંત જિલ્લામાં ઠેરઠેર વરસાદ થયો છે. જૂનાગઢ જિલ્લામાં પડેલા વરસાદનાં પગલે નદી નાળામાં નવા નીર આવ્યાં છે. જૂનાગઢ શહેર ઉપરાંત ગિરનાર ઉપર ભારે વરસાદ થયો છે. ગિરનાર પર્વત ઉપર ઝરણાં વહેવા લાગ્યાં છે. જંગલમાં નદીઓમાં નવા નીરની આવક થઇ છે.જૂનાગઢ જિલ્લામાં માણાવદરમાં સવારથી બપોરનાં 12 વાગ્યા સુધીમાં ચાર ઇંચ વરસાદ પડી ગયો હતો. આ ઉપરાંત વંથલીમાં 3 ઇંચ, માંગરોળ,માળિયામાં અઢી – અઢી ઇંચ,જૂનાગઢ શહેરમાં બે ઇંચ, વિસાવદરમાં એક ઇંચ વરસાદ થયો હતો. મેંદરડા, ભેંસાણ, કેશોદમાં અડધો ઇંચ વરસાદ થયો હતો. તેમજ હજું વરસાદ અવિરત પડી રહ્યો છે.
- Advertisement -
ગિરનાર રોપ વે બંધ
આજ વહેલી સવારથી જ ગિરનાર રોપ-વે બંધ રાખવાની ફરજ પડી છે. વરસાદી માહોલ સાથે ગીરનાર પર વાતાવરણ ખરાબ હોવાથી રોપ-વે બંધ રાખવામાં આવ્યું છે.વાતાવરણ શુદ્ધ થયા બાદ ફરી શરૂ કરવામાં આવશે.
ભુગર્ભ ગટરનાં કારણે ઠેરઠેર વાહન ફસાયા
જૂનાગઢ શહેરમાં ભુગર્ભ ગટરનું કામ કરવામાં આવ્યું છે. જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જૂનાગઢમાં અનેક વિસ્તારમાં ભુગર્ભ ગટરનાં કામમાં વાહન ફસાયાં હતાં. વરસાદનાં કારણે એક ટ્રેકટર ફસાઇ ગયું હતું.