પાલિકાના ચીફ ઓફિસર અને ઉપપ્રમુખનું સરપ્રાઈઝ ચેકીંગ
મોરબી નગરપાલિકા વિસ્તારમાં શનાળા રોડ પર આવેલ સમય ગેટ પાસે રાત્રીના સમયે આસપાસની હોટલ તેમજ લારી ગલ્લાવાળા વોકળામાં તમજ જાહેરમાં કચરો ફેંકતા હોય જેના કારણે વરસાદી પાણીના નિકાલનો રસ્તો બંધ થઈ જતો હોવાની ફરિયાદ ઉઠી હતી જેના પગલે પાલિકાના ચીફ ઓફિસર અને ઉપપ્રમુખ દ્વારા મોડી રાત્રે ચેકિંગ કરવામાં આવ્યું હતું જે ચેકિંગ દરમીયાન જાહેરમાં કચરો ફેંકતા કેટલાક શખ્સોને પકડીને ટીપટોપ રેસ્ટોરન્ટ, પટેલ રાજા પાઉંભાજી અને મારવાડી પાઉંભાજી એમ અલગ અલગ હોટેલ સંચાલકોને રૂ. 5000-5000 તેમજ બીજા એક ધંધાદારીને રૂ. 1000 નો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ અંગે પાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાના જણાવ્યા મુજબ પાલિકા દ્વારા જાહેરમાં લોકો કચરો ન ફેંકે તે માટે અગાઉ અપીલ કરી તેમને કચરો ન ફેંકવા અપીલ કરવામાં આવી હતી તેમ છતાં જાહેરમાં કચરો ફેંકતા હોવાથી પાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ ઝુંબેશ હાથ ધરાઈ હતી.
જેમાં આ મિલ્કત ધારકોનો સ્ટાફ જાહેરમાં કચરો ફેંકતો હોવાનું સામે આવતા મિલકત ધારકોને દંડ ફટકાર્યો હતો. પાલિકા દ્વારા આગામી દિવસમાં શનાળા રોડ પર આવેલ હોટલ અને નાસ્તાની લારી સહિતના મિલકત ધારકોની રજુઆતને ધ્યાને લઈ રાત્રીના પણ ત્રણ ટ્રેકટર મુકવામાં આવશે અને રાત્રીના કચરા કલેકશન શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત આ કામગીરી દ્વારા કલેક્શન કરવા છતાં પણ જો હોટેલ સંચાલક દ્વારા કચરો ફેંકવામાં આવશે તો આકરો દંડ ફટકારવામાં આવશે અને એક વાર દંડ આવ્યા બાદ જો ફરીથી કચરો ફેંકશે તો ફોજદારી કાર્યવાહી પણ કરવામાં આવશે તેમજ જરૂર પડ્યે મિલકત સીલ કરવાની અને ફૂડ લાયન્સ રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.