રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ધોરાજી પંથકમાં છેલ્લા 12 કલાકમાં ભૂકંપના 5 આંચકા અનુભવાતા સ્થાનિક લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે. શુક્રવારે (નવમી જાન્યુઆરી) વહેલી સવારે 3.8ની તીવ્રતાનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ નથી.
વહેલી સવારે આવ્યો જોરદાર આંચકો
- Advertisement -
મળતી માહિતી અનુસાર, ધોરાજી અને ઉપલેટામાં વહેલી સવારે 3.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. ભૂકંપનું એપિસેન્ટર ઉપલેટાથી 28 કિ.મી. દૂર નોંધાયું હતું. આ આંચકો એટલો તીવ્ર હતો કે જેતપુર, જેતલસર, પેઢલા, સરધારપુર, નાની-મોટી પરબડી તેમજ ધોરાજી અને ઉપલેટા શહેર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સ્પષ્ટ કંપન અનુભવાયું હતું.
છેલ્લા 12 કલાકમાં ઉપલેટામાં ભૂકંપના ચાર આંચકા
નોંધનીય છે કે આ પંથકમાં ગઈકાલે રાત્રે પણ ધરતી ધ્રૂજી હતી. ઉપલેટામાં પહેલો આંચકો ગુરુવારે (આઠમી જાન્યુઆરી) રાત્રે 8:44 વાગ્યે 3.3ની તીવ્રતાનો અને એના પછી વધુ એક આંચકો આવ્યો હતો. જ્યારે ત્રીજો અને ચોથો આંચકો શુક્રવારે વહેલી સવારે 6:19 અને 6:58 વાગ્યે 3.8ની તીવ્રતાનો અનુભવાયો હતો. જ્યારે ધોરાજીમાં 7:01 વાગ્યે ભૂંકપ અનુભવાયો હતો. જેના કારણે લોકો ભયભીય થઇ ગયા હતા. સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી.




