માળિયા-સૂરજબારી પુલ પર ભયાનક ટ્રિપલ અકસ્માત
પહેલાં ક્ધટેનર પલટી મારી ગયું, પછી ટેન્કર અને અર્ટિગા કાર અથડાઈ અને કારમાં આગ લાગી
- Advertisement -
અકસ્માતમાં 7 લોકોને નાની-મોટી ઈજાઓ: ઈજાગ્રસ્તોને સારવાર માટે સામખિયાળીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
મોરબીના માળિયા-સૂરજબારી પુલ પર ભયાનક ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. એક ક્ધટેનર પલટી મારી જતાં પાછળ આવતી આર્ટિગા કાર સાથે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં આગ લાગી હતી, જેમાં બે વિદ્યાર્થી અને ટ્રકમાં સવાર ડ્રાઈવર અને ક્લીનરનાં કરુણ મોત થયાં છે. મોરબી-કચ્છ હાઇવે પર માળિયા મિયાણા તાલુકાના હરિપર ગામ પાસે સૂરજબારી પુલ નજીક ગઈકાલે રાત્રે 11 વાગ્યાના અરસામાં ગંભીર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. સૌપ્રથમ એક ક્ધટેનર પલટી મારી ગયું હતું. ત્યાર બાદ એની પાછળ આવી રહેલું ટેન્કર ક્ધટેનર સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં પાછળથી આવી રહેલી અર્ટિગા કાર પણ ટેન્કર સાથે અથડાઈ હતી.
અકસ્માત બાદ વાહનોમાં આગ લાગી હતી. આ આગમાં અર્ટિગા કારમાં સવાર બે બાળકો અને ટેન્કરના ડ્રાઇવર તેમજ ક્લીનર સહિત કુલ ચાર વ્યક્તિ ભડથું થઈ ગઈ હતી. અર્ટિગા કારમાં સવાર અન્ય સાત વ્યક્તિને નાની-મોટી ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે સામખિયારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મૃતકોમાં રુદ્ર ગોપાલભાઈ ગુજરિયા (ઉં.વ. 15) અને જૈમીન જગદીશભાઈ બાબરિયા (ઉં.વ. 17), બંને રહેવાસી મીઠી રોહર, ગાંધીધામ અને શિવરામ મંગલરામ નાઈ, બિકાનેર, રાજસ્થાનનો સમાવેશ થાય છે. આ બંને વિદ્યાર્થી જૂનાગઢની આહીર બોર્ડિંગમાં અભ્યાસ કરતા હતા અને સાતમ-આઠમના તહેવારને કારણે પોતાના વતન ગાંધીધામ જઈ રહ્યા હતા.
- Advertisement -
માળિયા તાલુકા પોલીસ તથા મોરબી જિલ્લા એસપીને બનાવની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળ દોડી ગયા હતા અને અકસ્માત થયેલાં વાહનોને રોડ સાઈડમાં ખસેડવા માટેની કામગીરી કરવામાં આવી હતી અને કચ્છ-મોરબી હાઇવેને ક્લિયર કરવામાં આવ્યો છે. આ અકસ્માતમાં ઘાયલ થયેલા પાંચ વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે સામખિયાળીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પોલીસ દ્વારા ટ્રકના ડ્રાઈવર અને ક્લિનરની ઓળખ મેળવવા માટે તપાસ ચાલી રહી છે. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ભયાનક દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
મૃતકોનાં નામ
રુદ્ર ગોપાલભાઈ ગુજરિયા – ઉંમર 15 વર્ષ, રહે. મીઠી રોહર, ગાંધીધામ, કચ્છ.
જૈમીન જગદીશભાઈ બાબરિયા – ઉંમર 17 વર્ષ, રહે. મીઠી રોહર, ગાંધીધામ, કચ્છ.
શિવરામ મંગલરામ નાઈ – રહે. બિકાનેર, રાજસ્થાન.
એક મૃતકની ઓળખ હજી બાકી છે