બોટાદનો રાજુ, દાંતીવાડાનો બુટલેગર રતનસિંહ, પ્રદીપ પ્રજાપતિ અને બુલિયન વેપારીની ધરપકડ
રાજકોટ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની કામગીરી : ચોરેલું ચાંદી આપી જનાર મુકેશની શોધખોળ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના ચંપકનગરમાંથી ગઈ તા.04ના મોડી રાત્રે 1.62 કરોડની ચાંદીની ચોરીના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે બોટાદ પંથકમાંથી ક્રેટા કાર સાથે રાજુ ભોજક નામના શખ્સને ઉઠાવી લઈ તેની પાસેથી 31 કિલો ચાંદી કબ્જે કરી મુખ્ય સૂત્રધાર તરીકે દાંતીવાડાના બુટલેગર રતનસિંહનું નામ આપતાં તેને પણ ઇન્દોરથી ઝડપી લઈ તપાસ હાથ ધરી હતી અત્યાર સુધીમાં કુલ 110 કિલો ચાંદી કબ્જે કરવામાં આવી છે.
મૂળ પડધરીના વિમાસણ ગામના વતની અને હાલ રાજકોટના રામેશ્વર પાર્કમાં રહેતા અતુલભાઈ લિંબાભાઈ બુસા ઉ.39એ ગઈ તા.03 ના તેની ચંપકનગરમાં બીપીનભાઈના મકાનમાં શક્તિ સિલ્વર નામની પેઢીમાંથી 1.62 કરોડની ચોરી થયા અંગે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી કરોડોની ચાંદીની ચોરીનો ભેદ ઉકેલવા ઉચ્ચ અધિકારીઓની સૂચના અન્વયે ક્રાઈમ બ્રાન્ચ, એલસીબી અને સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો બનાવી તપાસ શરુ કરી હતી દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક આરોપીને મહેસાણાથી 40 કિલો ચાંદી સાથે ઝડપી લીધો હતો તે પછી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળેલી બાતમી આધારે બોટાદના જારીયા ગામેથી રાજુ ભોજક નામના બુટલેગરને ચોરીમાં સંડોવાયેલ ક્રેટા કાર સાથે ઝડપી લઈ આકરી પૂછતાછ કરતા સમગ્ર પ્લાન ખુલ્લો પડી ગયો હતો રાજુને ચોટીલાના બુટલેગર અને હાલ જેલવાસ ભોગવી રહેલા ધરમસિંહની ક્રેટા કાર ચોરી કરવાના ઈરાદે તેમની પાસેથી મેળવી હતી દાંતીવાડાના રતનસિંહ નામના હિસ્ટ્રીશીટર અને બુટલેગર સાથે મળી ચોરીનો પ્લાન બનાવ્યો હતો આ પછી ક્રેટા કારમાં ત્રણ શખ્સો ચોરી કરવાં આવ્યા અને ચોરીને અંજામ આપી જારીયા ગામ પહોંચ્યા ત્યાં રાજુના ઘરે ભાગ બટાઈ કરી હતી. જેમાં રાજુના ભાગે આવેલ 31 કિલો ચાંદી આવી હતી તે ચાંદી ત્યાં રાખી બીજું ચાંદી લઈ અન્ય તસ્કરો અમદાવાદ પહોંચી ગયાં હતાં બાદમાં રાજુ અમદાવાદથી પરત આવતા જ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે તેને પકડી લીધો હતો
તેની પૂછતાછમાં જે માહિતી મળી હતી તે મુજબ ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય સૂત્રધારને પકડવા મધ્યપ્રદેશ તરફ એક ટીમ દોડાવી હતી અને મુખ્ય સૂત્રધાર રતનસિંહને પણ ઈન્દોરથી ઝડપી લીધો હતો.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 80 કિલો ચાંદી કબ્જે કરી બુલિયન વેપારી સહિત બે રીસીવરને ઝડપી લીધા છે. જ્યારે મુકેશ પ્રજાપતિ નામના શખ્સની શોધખોળ હાથ ધરી છે કરોડોની ચોરીમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પ્રદીપ પ્રજાપતિ નામના શખ્સને પકડી તેની પાસેથી ચોરાઉ 40 કિલો ચાંદી કબજે કર્યું હતું તે પછી વધું એક બુલિયન વેપારીના નરોડા સ્થિત ઘરેથી 30 કિલો ચાંદી અને ઓગાળી નાંખેલી 10 કિલો ચાંદી કબ્જે કરી મંગુસિંગ નામના વેપારીને પકડી પાડ્યો હતો. પકડાયેલ બંનેને મુકેશ પ્રજાપતિ ચાંદી સપ્લાય કરી ગયો હોવાનું ખુલ્યું હતું આ અંગે સાંજે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પત્રકાર પરિષદ યોજી વધુ વિગતો જાહેર કરવામાં આવશે.



