ભક્તિ અને સેવાનો મહાસંગમ : રાજકોટના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે ‘હનુમાન ચાલીસા યુવા કથા’
9 હજાર લોકોનો વૃક્ષારોપણનો સંકલ્પ કર્યો અને 1500 બોટલ રક્ત એકત્ર થયું
- Advertisement -
અન્નકૂટ મહોત્સવમાં હજારો લોકો પોત પોતાના ઘરેથી વાનગીઓ લઈને પહોંચ્યા હતા
હું ગમે ત્યાં હોઈશ, રાજકોટનો આ પ્રેમ મને કાયમી યાદ રહેશે : હરિપ્રકાશદાસ સ્વામી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આયોજિત સાત દિવસીય ‘શ્રી હનુમાન ચાલીસા યુવા કથા’એ શહેરના ઇતિહાસમાં ભક્તિ, સેવા અને સંસ્કારનું અદભૂત અધ્યાય ઉમેર્યો છે.
27 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી 2026 દરમિયાન યોજાયેલી આ યુવા કથામાં 31 ડિસેમ્બરના રોજ અચાનક પડેલા વરસાદને કારણે એક દિવસ માટે કથા મોકૂફ રાખવી પડી હતી, છતાં ભાવિકોના ઉત્સાહમાં કોઈ ઘટાડો જોવા મળ્યો ન હતો. નૂતન વર્ષના પ્રથમ દિવસે, 1 જાન્યુઆરી 2026ના રોજ હનુમાન જન્મોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. કથાના અંતિમ દિવસે યોજાયેલા અન્નકૂટ મહોત્સવ આ કાર્યક્રમની વિશેષ ઓળખ બની રહ્યો. જેમાં હજારો રાજકોટવાસીઓ પોતાના ઘરેથી પ્રેમપૂર્વક બનાવેલી વિવિધ વાનગીઓ, મીઠાઈઓ, ફળો અને ડ્રાયફ્રૂટ્સ લઈને દાદાને ભોગ ધરાવવા પહોંચ્યા હતા.
રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં આયોજિત ’શ્રી હનુમાન ચાલીસા યુવા કથા’માં આસ્થાનો ઘોડાપૂર જોવા મળ્યો હતો. રાજકોટના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત કોઈ કથામાં આટલી મોટી જંગી મેદની એકઠી થઈ હશે. છ દિવસ દરમિયાન અંદાજે 4.50 લાખથી વધુ ભાવિકોએ કથાનું શ્રવણ કર્યું. આયોજકો દ્વારા 3.50 લાખથી વધુ પ્રસાદ પેકેટોનું વિતરણ કરવામાં આવ્યું. આ યુવા કથા માત્ર આધ્યાત્મિક અનુભવ પૂરતી સીમિત ન રહી, પરંતુ સામાજિક જવાબદારીનું મજબૂત મંચ બની રહી. કથા દરમિયાન 9 હજારથી વધુ લોકો દ્વારા વૃક્ષારોપણનો દૃઢ સંકલ્પ લેવાયો, જ્યારે રક્તદાન કેમ્પમાં 1,500થી વધુ બોટલ લોહી એકત્ર કરવામાં આવ્યું જે માનવસેવાના ઉત્તમ ઉદાહરણરૂપ છે.
વ્યાસપીઠ પરથી હરિપ્રકાશદાસજી સ્વામીએ તેમની આગવી શૈલીમાં હનુમાન ચાલીસાનું રસપાન કરાવતા જણાવ્યું કે, મેં પહેલા જ દિવસે કહ્યું હતું કે સાળંગપુરવાળા દાદા રાજકોટના મહેમાન બન્યા છે. રાજકોટવાસીઓએ એવી કાઠિયાવાડી મહેમાનગતિ કરી છે કે દાદા અતિ પ્રસન્ન થયા છે. અંતિમ આશીર્વચનમાં તેમણે ઉમેર્યું, હું ગમે ત્યાં હોઈશ, રાજકોટનો આ પ્રેમ મને કાયમી યાદ રહેશે.
વ્યવસ્થા જાળવવા સ્વયંસેવકોની પ્રશંસા
કથાના આયોજન દરમિયાન ત્રણ હજારથી વધુ સ્વયંસેવકોની અવિરત સેવાને વ્યાસપીઠ પરથી વિશેષ પ્રશંસા મળી. લાખોની જનમેદની વચ્ચે પણ શિસ્ત અને શાંતિ જળવાઈ રહે તે માટે સ્વયંસેવકો, માતાઓ અને બહેનોની સહનશક્તિ અને સમર્પણને સ્વામીજીએ ખુલ્લેઆમ વધાવ્યા. ખાસ કરીને હનુમાન જન્મોત્સવના દિવસે ઉમટેલી ભીડે રાજકોટના ઇતિહાસમાં એક નવું, ગૌરવપૂર્ણ પ્રકરણ આલેખ્યું હોવાનું સર્વત્ર ચર્ચાઈ રહ્યું છે.



