બેદરકારીનો બિસ્માર રોડ : ગોંડલ ચોકડી પહેલાં રિદ્ધિ સિદ્ધિ નાળાનો સર્વિસ રોડ છેલ્લા પાંચ વર્ષથી બિસ્માર હાલતમાં…
સ્થાનિકોની વ્યથા તંત્રનું મૌન
- Advertisement -
રાજકોટમાં ગોંડલ ચોકડી પહેલાં આવેલા રીધ્ધી સિદ્ધી નાળાના સર્વિસ રોડની છેલ્લા પાંચ વર્ષથી બિસ્માર સ્થિતિને કારણે અનેક સ્થાનિક લોકો અને વાહનચાલકોના જીવ જોખમમાં મુકાયા છે. રોડ પર અનેક જગ્યાએ ચારેક ફૂટ ઊંડા ખાડા પડી જતા અહીં રોજ સરેરાશ 10થી 12 લોકો પડી જાય છે અને નાની મોટી ઈજા થાય છે. ખાસ કરીને રીક્ષા અને માલવાહક વાહનચાલકોનું કહેવું છે કે મહિને રૂ. 2થી 3 હજાર સુધી રીપેરીંગ પાછળ ખર્ચાઈ જાય છે. જ્યારે રોજ અકસ્માતની આશંકા વચ્ચે ડ્રાઈવિંગ કરવું પડે છે. સ્થાનિક વેપારીઓ ખરાબ રોડ મુદ્દે વ્યથા ઠાલવી રહ્યા છે. રોડ પર ધંધો કરતા એક વેપારીએ જણાવ્યું કે, હું તો રોજ બે-ત્રણ વાર 108 એમ્બ્યુલન્સને ફોન કરું છે. કેટલીક વાર સ્થિતિ એટલી વિકટ બને છે કે અમે પોતે કામ-ધંધો બંધ કરીને ઘાયલ લોકોને હોસ્પિટલ પહોંચાડવા પડ્યા છે. જ્યારે અન્ય એક સ્થાનીક વેપારીએ વ્યથા ઠાલવતા જણાવ્યુ કે રોજ સવારે ધંધો કરવો કે પડી ગયા હોય તેને ઉભા કરવા. સ્થાનિક રહેવાસીઓનો આક્ષેપ છે કે રોડની હાલત છેલ્લા પાંચ વર્ષથી અત્યંત ખરાબ છે, છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થતી નથી. એક રહેવાસીએ જણાવ્યું કે, તંત્ર જાણી-જોઇને રીપેર કરતું નથી કે કોઈ બીજી બાબત છે તે સમજાતું નથી. જો હજુ પણ રોડ રીપેરીંગ નહીં થાય તો તો અનેક વાહનચાલકો જીવ ગુમાવશે તે નક્કી છે.



