યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા ભગતસિંહના જન્મદિવસની સંકલ્પ દિન તરીકે ઉજવણી કરાઈ
મોરબીમાં શહીદ ભગતસિંહના ક્રાંતિકારી વિચારોથી રંગાઈને સામાજિક કાર્યો થકી દેશભાવનાને સતત ઉજાગર કરવા માટે સક્રિય રહેતા જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શહીદ ભગતસિંહના જન્મદિવસની અનોખી ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહીદ ભગતસિંહના જન્મદિવસને સંકલ્પ દિવસ તરીકે ઉજવીને 392 થી વધુ લોકોએ અંગદાન તેમજ દેહદાન અને દેશહિતના કાર્યો કરવા માટે સંકલ્પ લેવડાવી શહીદ ભગતસિંહને વિરાંજલી આપવામાં આવી હતી. દેશની આઝાદી માટે પ્રાણની આહુતિ આપનાર ક્રાંતિવીર શહીદ ભગતસિંહની જન્મ જયંતિ હોય યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરા મુજબ શહીદ ભગતસિંહના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, શહીદ ભગતસિંહ દેશની આઝાદી માટે સંકલ્પ કરી દેશ માટે ફના થઈ ગયા હતા જેથી શહીદ ભગતસિંહના આવા દ્રઢ સંકલ્પને પ્રેરણા સમજી અકસ્માતમાં કે ઇમરજન્સી દર્દીઓને નવજીવન મળે તે માટે યુવાનો મૃત્યુ પછી દેહદાન અને અંગદાન માટે સંકલ્પ કરે એવા હેતુસર સંકલ્પ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. 300 થી વધુ લોકોએ અંગદાન અને 92 થી વધુ લોકોએ દેહદાનનો સંકલ્પ કર્યો હતો. શહીદ ભગતસિંહના જન્મદિવસ નિમિત્તે 392 લોકોએ અંગદાન અને દેહદાન કરીને ખરા અર્થે ભગતસિંહના કોઇપણ રીતે દેશસેવાના સંકલ્પ લેવા અન્યોને પ્રેરણા પુરી પાડી હતી.