ભુજના 88 અને અંજારના 87 સહિત 179 ગામોમાં અંધારપટ: 7 ટીસી ડેમેજ
અંજાર, મોરબી, જામનગર, સુરેન્દ્રનગરમાં 90 વીજપોલ ઉભા કરવા તજવીજ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરમાં ભારે વરસાદને લીધે ઠેર ઠેર વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે ભારે પવન સાથે ફૂંકાયેલા વરસાદથી ખેતીવાડીના 308 સહીત સૌરાષ્ટ્રમાં 362 ફીડર ઠપ્પ થઇ ગયા છે ખાસ કરીને ભુજના 88 અને અંજારના 87 સહીત કુલ 179 ગામોમાં અંધારપટ છવાઈ ગયો છે 7 ટીસી ડેમેજ થતા લોકોને વરસાદ વચ્ચે અંધારપટનો સામનો કરવો પડી રહ્યો છે બીજી તરફ અંજાર, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, ભુજ, મોરબી અને રાજકોટ ગ્રામ્યમાં ધરાશાયી થઇ ગયેલા 90 જેટલા વીજપોલ ઉભા કરવા માટે પણ પીજીવીસીએલ તંત્ર દ્વારા ટિમો દોડાવાઈ છે.
સૌરાષ્ટ્રભરમાં ગત શનિવારથી શરુ થયેલી મેઘસવારીને લીધે પીજીવીસીએલ તંત્રમાં દોડધામ મચી ગઈ છે ભારે પવન સાથે વરસેલા વરસાદથી અનેક ટીસી ડેમેજ થયા છે જયારે વીજપોલનો પણ કડૂસલો બોલી ગયો છે જેના પરિણામ સ્વરૂપે લોકો અંધારામાં જીવવા મજબુર બન્યા છે સૌરાષ્ટ્રમાં 362 ફીડર ઠપ્પ થઇ ગયા છે પીજીવીસીએલ તરફથી પ્રાપ્ત આંકડાકીય વિગતો મુજબ ખેતીવાડીના 308 ફીડર ઠપ્પ થઇ ગયા છે જેમાં રાજકોટ ગ્રામ્યમાં 8, જામનગરમાં 30, ભુજમાં 115, અંજારમાં 117, ભાવનગરમાં 2, બોટાદમાં 3 અને સુરેન્દ્રનગરમાં 33નો સમાવેશ થાય છે આ ઉપરાંત જ્યોતિગ્રામ યોજનાના 42 ફીડર ઠપ્પ થઇ ગયા છે તેમજ ઔદ્યોગિકના 9 ફીડર ઠપ્પ થઇ ગયા છે ભારે વરસાદને લીધે 179 ગામોમાં અંધારપટ છવાઈ ગયો છે જેમાં ભુજના 88, અંજારના 87, રાજકોટ ગ્રામ્યના બે અને મોરબી જિલ્લાના 2 ગામોનો સમાવેથ થાય છે સૌરાષ્ટ્રમાં 7 ટીસી ડેમેજ થઇ ગયા છે જેમાં રાજકોટ ગ્રામ્ય અને જૂનાગઢમાં એક-એક, મોરબીમાં 2 અને અંજારમાં 3 ટીસીનો સમાવેશ થાય છે આ સિવાય 90 જેટલા વીજપોલ જમીનદોસ થઇ ગયા છે જેમાં અંજારમાં 56, ભુજનમાં 14, જામનગરમાં 11, મોરબીમાં 4, સુરેન્દ્રનગરમાં 3 અને રાજકોટ ગ્રામ્યમાં 2 વીજપોલ તૂટી પડ્યા છે આ તમામ વીજપોલ ઉભા કરવા અને ત્વરિત વીજ પુરવઠો યથાવત કરવા પીજીવીસીએલ દ્વારા જુદી જુદી ટિમો દોડાવવામાં આવી છે જે ચાલુ વરસાદે પણ કાર્ય કરી રહી છે.