2.52 લાખનો મુદ્દામાલ કબ્જે : આરોપીની શોધખોળ હાથ ધરાઈ
ખાસ-ખબર ન્યૂઝ જસદણ
- Advertisement -
જસદણમાં ગેસ્ટ હાઉસ ચલાવતા શખશની દુકાનમાં પોલીસે દરોડો પાડી દુકાનમાં સંતાડેલી દારૂની 360 બોટલ સહીત 2.52 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરાઈ છે.
રાજકોટ એસપી હિમકર સિંહએ દારૂની હેરાફેરી કરતા શખ્સો પર વોચ ગોઠવી કાર્યવાહી કરવા આપેલી સૂચના અન્વયે જસદણ પીઆઉં ટી.બી.જાની, એએસઆઈ જયંતીભાઇ મજેઠીયા, હેડ કોન્સ્ટેબલ અરૂણભાઇ ખટાણા, કોન્સ્ટેબલ ભાવેશભાઇ છૈડા, કોન્સ્ટેબલ અનીલભાઇ સરવૈયા, સંજયભાઇ રાણવા, લાખાભાઇ મુછાર, અજીતભાઇ સોનારા સહીતની ટીમ પેટ્રોલિંગમાં હતી.
તે દરમ્યાન ખાનગી બાતમી રાહે હકીકત મળેલ કે, જુના બસ સ્ટેશન પાસે જેડી’સ ગેસ્ટ હાઉસ ચલાવતા જસદણના દિલીપ વલકુ ધાધલએ પોતાના ગેસ્ટ હાઉસની નીચે પાંચ દુકાનો બનાવેલ હોઈ જેમાં છેલ્લા નંબરની દુકાનમાં ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો પડેલ છે. પોલીસે તત્કાલ દરોડો પાડતા જ્યાં દુકાન નં.5 માં તાળુ મારેલ હોય, ત્યાં ગેસ્ટ હાઉસ ખાતે તપાસ કરતા દિલીપ મળી આવેલ નહીં જેથી દિલીપના રહેણાંક મકાને તપાસ કરી. પણ ત્યાં તે મળી આવે નહીં. બંધ દુકાનમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળેલ હોઇ જેથી પોલીસે તાળુ તોડી શટર ખોલતા દુકાનની અંદર ફ્રુટ ભરવાના કેરેટમાં અને પ્લાસ્ટિકના બાચકામાંથી દારૂની 360 બોટલ મળી હતી જેની કિંમત રૂ.2,52,724 ગણી મુદ્દામાલ કબ્જે કરી દિલીપની શોધખોળ હાથ ધરી હતી.



