આ વર્ષે લગ્નનાં માત્ર 11 મુહૂર્ત, ગત વર્ષ કરતાં 12 ઓછાં
5 વર્ષ પછી આટલાં ઓછાં મુહૂર્ત, 18 એપ્રિલથી લગ્નસરા શરૂ થશે, જુલાઈમાં માંગલિક પ્રસંગો માટે 5 દિવસ શુભ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર, તા.12
13 એપ્રિલથી મેષ સંક્રાંતિનો પ્રારંભ થઈ રહ્યો છે. અર્થાત્ સૂર્ય મેષ રાશિમાં પરિભ્રમણ કરશે. આ સાથે 18 એપ્રિલથી લગ્નસરા શરૂ થઈ જશે. જો કે, વિક્રમ સંવત 2080માં લગ્ન માટે કુલ 44 શુભમુહૂર્ત હતા. જેમાંથી હવે માત્ર 11 બાકી રહ્યા છે. ગત વર્ષ એટલે કે વિક્રમ સંવત 2079ની સરખામણીએ આ વર્ષે 12 મુહૂર્ત ઓછા છે. જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યા અનુસાર, 10 મેને અખાત્રીજે સૌથી વધુ મુહૂર્ત છે. અખાત્રીજને વણજોયું મુહૂર્ત ગણવામાં આવે છે. આ દિવસે શહેરમાં અંદાજે 3500થી 4 હજાર લગ્નનું આયોજન થયું છે. અખાત્રીજે લગ્નની સાથે સાથે વાસ્તુપૂજન, યજ્ઞોપવીત જેવાં શુભકાર્યો થતાં હોય છે.
ગુરુ અને શુક્ર ગ્રહ અસ્ત થતાં હોવાથી 5 વર્ષ પછી આટલા ઓછા મુહૂર્ત રહેશે. દર 5 વર્ષે ગ્રહોનો આવો સંયોગ રચાતો હોય છે.
જ્યોતિષીના જણાવ્યા અનુસાર વિક્રમ સંવત 2080માં વિવિધ ગ્રહોનું રાશિ પરિભ્રમણ વધુ પ્રમાણમાં રહ્યું છે. એપ્રિલમાં લગ્ન શ્રેષ્ઠ મુહૂર્ત 18, 20, 21, 22 અને 23 તારીખ છે. મેમાં અખાત્રીજે 10 તારીખ સિવાય બીજું કોઈ મુહૂર્ત નથી. જ્યારે જૂનમાં એકપણ મુહૂર્ત નથી અને જુલાઈમાં 9, 12, 13, 14, 15 એમ કુલ 5 દિવસ શુભમુહૂર્ત આવે છે. આ વર્ષે 17 જુલાઈથી ચાતુર્માસનો પ્રારંભ થઈ રહ્યો છે, જે 12 નવેમ્બર સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન કોઈ માંગલિક કાર્યો કરવામાં આવતા હોતા નથી. નવા વર્ષ વિક્રમ સંવત 2081માં દેવઉઠી એકાદશી પછી માંગલિક પ્રસંગો શરૂ થતા હોય છે.
- Advertisement -
એપ્રિલમાં લગ્ન માટે માત્ર પાંચ મુહૂર્ત હોવાથી ગોર મહારાજોની ડિમાન્ડ પણ વધી છે. શહેરના ગોર મંડળના શાસ્ત્રી ભોલા મહારાજના જણાવ્યા અનુસાર, ગત વર્ષની સરખામણીએ ઓછા મુહૂર્ત હોવાથી મોટાભાગના મુખ્ય ગોર મહારાજને એક દિવસમાં બેથી ત્રણ લગ્ન માટે બુકિંગ મળ્યું છે. ગોર મંડળમાં અંદાજે 1200 બ્રાહ્મણનો સમાવેશ થાય છે. મહારાજ માટેનું બુકિંગ પણ 4થી 6 મહિના અગાઉથી શરૂ થયું હતું. આ ઉપરાંત પશ્ચિમ અને પૂર્વના વિસ્તારોના પાર્ટી પ્લોટ, હોલ અને કેટલીક હોટેલોના બેન્કવેટ હોલ માટે 4થી 6 મહિના પહેલાં એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું હતું. અમદાવાદ પૂર્વમાં સૌથી વધુ પાર્ટી પ્લોટ આવેલા છે. ગોર મંડળના સૂત્રોના જણાવ્યા અનુસાર, મેમાં અખાત્રીજનું એક જ મુહૂર્ત હોવાથી ગોર મહારાજનું બુકિંગ મળવું મુશ્કેલ બની ગયું છે. મોટાભાગના પાર્ટી પ્લોટ તેમજ હોલ માટે બુકિંગ ફૂલ થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે.