શ્રાવણિયા જુગાર પર મોરબી જિલ્લા પોલીસની ચાંપતી નજર
SP ત્રિપાઠીનો માસ્ટર પ્લાન, જુગારીઓ પર તૂટી પડવા કડક સૂચના
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લામાં તો શ્રાવણ મહિનામાં જાણે જુગારની મોસમ ખીલી ઉઠતી હોય તેમ શહેર હોય કે ગામ, ઘરમાં, વાડીમાં કે ધંધાના સ્થળે જ્યાં મોકો મળે ત્યાં જુગારીઓ નસીબ અજમાવવા બેસી જતા હોય છે તો બીજી તરફ પોલીસ પણ એટલી જ સક્રિય બનીને જુગારીઓની બાજી પલટાવી નાખતી હોય છે ત્યારે મોરબી જીલ્લામાં પોલીસે દસ દિવસમાં કુલ 35 જેટલા જુગારના હાટડા પર દરોડા કરીને 171 જુગારીઓને દબોચી લીધા હતા અને તેમના વિરુદ્ધ જુગારધારા અંતર્ગત ગુનો નોંધી રૂ. 26 લાખ 47 હજાર રોકડ મળી કુલ રૂ. 50,72,780 નો મુદામાલ જપ્ત કર્યો હતો.
મોરબી જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ અલગ અલગ પોલીસ મથક અને એલસીબી સહિતના સ્ટાફને જુગારના અખાડા પર તૂટી પડવા આદેશ આપતા પોલીસ ટીમો જુગારીઓને કાયદાના પાઠ ભણાવવા સતત પ્રયત્નશીલ છે ત્યારે મોરબી પોલીસે 25 જુલાઈથી 5 ઓગસ્ટ દરમિયાન જુગારધામ પર દરોડા કરીને 50 લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યો છે જેમાં પોલીસ મથક મુજબ જોઈએ તો એ ડિવિઝન પોલીસે કુલ 8 કેસ કરી 36 જુગારીઓને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી રૂ. 30,80,000 નો મુદામાલ જપ્ત કર્યો હતો જયારે બી ડિવિઝન પોલીસે 5 કેસ કરી 26 જુગારીઓને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી રૂ. 7,62,400 નો મુદામાલ જપ્ત કર્યો હતો તો મોરબી તાલુકા પોલીસે 4 કેસ કરી 21 જુગારીઓને ઝડપી પાડીને રૂ. 2,94,400 નો મુદામાલ જપ્ત કર્યો હતો. આ ઉપરાંત વાંકાનેર સિટી પોલીસે 4 કેસ કરીને 15 જુગારીઓને દબોચી હતા અને રૂ. 29,720 નો મુદામાલ જપ્ત કર્યો હતો જયારે વાંકાનેર ગ્રામ્યમાં 5 કેસ થયા હતા અને 29 જુગારીઓ ઝડપાયા હતા જે તમામ પાસેથી રૂ. 7,10,800 નો મુદામાલ જપ્ત કરાયો હતો.
હળવદમાં 5 કેસ કરીને પોલીસે 27 જુગારીને ઝડપી પાડી રૂ. 1.21 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો જયારે ટંકારામાં 10 દિવસમાં એક કેસ થયો હતો અને ત્રણ જુગારી સામે ગુન્હો દાખલ કરીને પોલીસે રૂ. 52,000 જપ્ત કર્યા હતા તો માળીયા પંથકમાં પોલીસે જુગારના ત્રણ કેસ કરી 14 લોકોને ઝડપી લીધા હતા અને રૂપિયા 21,300 નો મુદામાલ જપ્ત કરાયો હતો.