ખાદ્ય મોંઘવારીને બદલે હવે અનાજ માટે ઝઝૂમવું પડે તેવી હાલત ઉભી થવાનો ખતરો
દુનિયાભરમાં કોરોના કાળથી ઉદ્દભવેલી હાલત તથા રશિયા-યુક્રેન યુધ્ધને કારણે ઉભી થયેલી પરિસ્થિતિની અસર હેઠળ 36.50 કરોડ લોકો પર ભૂખમરાનું સંકટ સર્જાવાની ચેતવણી સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. યુનોએ ચેતવણી રિપોર્ટમાં જણાવ્યું છે કે, દુનિયાભરના દેશો કટોકટીભરી હાલતનો સામનો કરી રહ્યા છે અને 36.50 કરોડ લોકો ભૂખમરાની સ્થિતિ તરફ આગળ ધપી રહ્યા છે.
- Advertisement -
યુક્રેન યુધ્ધ ખત્મ થતા સુધીમાં વધુ 7 કરોડ લોકો પર ભૂખમરાનો ખતરો સર્જાશે. યુનોના ખાદ્ય કાર્યક્રમના કાર્યકારી નિર્દેશકે સુરક્ષા પરિષદમાં રિપોર્ટ રજૂ કરતાં જણાવ્યું હતું કે યુનો 82 દેશોમાં કાર્યરત છે અને તેમાં 34.50 કરોડ લોકો ગંભીર ખાદ્ય અસુરક્ષાનો સામનો કરી રહ્યા છે. જે 2020ના કોરોના કાળની સરખામણીએ અઢી ગણા વધુ છે.
45 દેશોનાં 5 કરોડ લોકો અત્યંત ગંભીર કુપોષણનો શિકાર છે અને દુષ્કાળને આરે છે. કોરોનાના આર્થિક પ્રત્યાઘાતો, કલાઈમેટ ચેન્જ, ઇંધણની વધતી કિંમતો તથા યુક્રેન યુધ્ધને કારણે ભુખમરાની લહેર હવે ભુખમરાની સૂનામી બની ગઇ છે. આ મામલે દુનિયાભરના દેશોેએ નક્કર પગલા લેવા પડશે. અન્યથા 2023માં વર્તમાન ખાદ્ય મોંઘવારીનું સંકટ ખાદ્ય ઉપલબ્ધતા સંકટમાં બદલાઇ જશે. અર્થાત ખાદ્ય ચીજોની સપ્લાય જાળવવા માટે પણ ઝઝૂમવાનો વખત આવશે. સોમાલિયા, અફઘાનિસ્તાન જેવા દેશોમાં હાલત વધુ ખતરનાક હોવાનો પણ ગર્ભિત ઇશારો કર્યો હતો.