79 તાલુકાઓ પૈકી 47 તાલુકાઓમાં વાવણી લાયક વરસાદ વરસી ગયો: આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમન પૂર્વ જ બિપોરજોય વાવાઝોડાની અસરના કારણે સીઝનનો 10 ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે. સૌરાષ્ટ્રમાં મોસમનો 16 ટકા વરસાદ વરસી ગયો છે. જો કે સૌરાષ્ટ્રમાં 11 જિલ્લાના 79 તાલુકાઓ પૈકી 32 તાલુકાઓ આજની તારીખે વાવણી લાયક વરસાદથી વંચિત છે. અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં સૌથી ઓછો માત્ર 6 મીમી વરસાદ પડયો છે. જયારે ખંભાળીયા તાલુકામાં સૌથી વધુ 392 મીમી વરસાદ પડયો છે.બિપરજોય વાવાઝોડુ સૌરાષ્ટ્ર માટે આશિર્વાદરુપ સાબિત થઇ ગયું છે.
- Advertisement -
આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર – દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ 79 તાલુકાઓ પૈકી 47 તાલુકાઓમાં વાવણી લાયક વરસાદ વરસી ગયો છે. સુરેન્દ્રનગરના દસાડા, ધ્રાંગધ્રા, લખતર, લીંબડી, મુળી, સાયલા, થાનગઢ અને વઢવાણ તાલુકો આજની તારીખે વાવણી લાયક વરસાદથી વંચિત છે. આ તાલુકાઓમાં કટકે કટકે દોઢથી અઢી ઇંચ જેટલો વરસાદ પડયો છે. રાજકોટ જીલ્લાના 11 પૈકી નવ તાલુકાઓમાં વાવણી લાયક વરસાદ પડી ગયો છે. જસદણ અને વીંછીયા તાલુકામાં વાવણી લાયક વરસાદ ન પડતા જગતાત ચિંતિત બન્યા છે.મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં વાવણી લાયક વરસાદ પડી ગયો છે.
અમરેલી જિલ્લાના ધારી, ખાંભા અને સાવરકુંડલા તાલુકાને બાદ કરતા અન્ય તાલુકા અમરેલી, બાબરા, બગસરા, જાફરાબાદ, લાઠી, લીલીયા, રાજુલા અને વડિયા તાલુકામાં હજી વાવણી લાયક વરસાદ પડયો નથી. સૌરાષ્ટ્રના 11 પૈકી બોટાદ જિલ્લામાં સૌથી ઓછો માત્ર 3.26 ટકા વરસાદ પડયો છે. ભાવનગર તાલુકાને બાદ ગારીયાધાર, ઘોઘા, જેસર, મહુવા, પાલીતાણા, શિહોર, તળાજા, ઉમરાળા અને વલ્લભીપુર તાલુકાો હજી વાવણીલાયક વરસાદની વાટમાં છે. આખો બોટાદ જીલ્લો હજી વાવણી જોગ વરસાદથી વંચિત છે.
આગામી 5 દિવસ ક્યાં વરસાદ પડશે?
ગુજરાતમાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદ રહેશે. તેમજ દ.ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ અમદાવાદમાં છૂટોછવાયો વરસાદ રહી શકે છે.
- Advertisement -
22 જૂન- દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપી જિલ્લામાં હળવો વરસાદ
23 જૂન- દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપીમાં હળવો વરસાદ
24 જૂન- તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, ગીર સોમનાથ અને જૂનાગઢમાં હળવો વરસાદ
25 જૂન- સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથમાં હળવો વરસાદ
26 જૂન- દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ અને દીવમાં હળવો વરસાદ પડશે