વધારાનો કરબોજ નામંજૂર કરી લોકોના દિલ જીતવાની આશા
20 નવી યોજનાઓનો ઉમેરો: ત્રણ સ્થળે ફૂટ ઓવરબ્રિજ બનશે
- Advertisement -
CNG-EV મળી 134 નવી સિટી બસ ફાળવવા જાહેરાત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના નાણાંકીય વર્ષ 2025-26ના અંદાજપત્રનો પુરતો અભ્યાસ અને ગહન વિચાર વિમર્શ કરી, મહાનગરપાલિકા દ્વારા પુરી પાડવામાં આવતી જાહેર સેવાઓ અને સુવિધાઓ સામે આવકના સ્ત્રોત સહિતના મુદ્દાઓ ધ્યાને લઈ, ચર્ચા વિચારણા કરી, કમિટીની બેઠકમાં જરૂરી સુધારાવધારા સહ અંદાજપત્ર સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું છે. શહેરીજનો માટે દર વર્ષે લોકભોગ્ય યોજનાઓ સાથેનું બજેટ અમલમાં મુકવામાં આવે છે, જેમાં રસ્તાના કામો, સ્ટ્રીટલાઈટ, ડ્રેનેજ, પીવાનું પાણી, સફાઈ, આરોગ્ય સહિતની પ્રાથમિક સુવિધાઓ તો ખરી જ, સાથોસાથ રમત-ગમતની સુવિધા, હરવા-ફરવાના સ્થળો, બાગ-બગીચા, ઘનિષ્ઠ વૃક્ષારોપણ, સિટી બસ, નવી પ્રાથમિક શાળાઓ, નવા કોમ્યુનિટી હોલ, નવી લાયબ્રેરીઓની સુવિધા થકી શહેરીજનોને ઉપલબ્ધ સગવડમાં વધારો કરી, ‘લિવેબીલીટી ઇન્ડેક્ષ’માં સતત વધારો કરવામાં આવી રહ્યો છે.
- Advertisement -
મ્યુનિસિપલ કમિશનરે રૂ.3112.28 કરોડનું બજેટ સ્થાયી સમિતિ સમક્ષ મંજુરી અર્થે રજુ કરેલ. જે બજેટમાં મહેસુલ ખર્ચને પહોંચી વળવા કુલ અંદાજીત 150 કરોડનો કરબોજ સૂચવેલ હતો. પરંતુ, સ્થાયી સમિતિ દ્વારા વિચાર વિમર્શને અંતે, શહેરીજનો પર વધારાનો એક પણ રૂપિયાનો કરબોજ નાખવાને બદલે, રાજકોટ મહાનગરપાલિકાના હાલના આવકના સ્ત્રોતોને વધુ મજબૂત કરવા, આવકના નવા સ્ત્રોતો ઊભા કરવા, મૂડી તથા મહેસૂલી ખર્ચમાં જરૂરી કાપ મૂકવો વિગેરે આયામો લક્ષમાં લઈ, મ્યુનિસિપલ કમિશનરે સુચવેલ નવા કરબોજ તથા કરબોજમાં વધારા અંગેની તમામ દરખાસ્તો સ્થાયી સમિતિ દ્વારા સર્વાનુમતે નામંજુર કરવામાં આવે છે. સ્થાયી સમિતિ દ્વારા કમિશનરે રજુ કરેલ બજેટના કુલ કદમાં આશરે રૂ.6 કરોડનો વધારો કરી, રૂ.55.92 કરોડની 20 નવી યોજનાઓનો ઉમેરો કરવામાં આવેલ છે. જે માટે જુદા જુદા મહેસૂલી ખર્ચમાં કરકસરના ભાગરૂપે જરૂરી કાપ મુકી, કુલ રૂ. 3118.07 કરોડનું બજેટ સર્વાનુમતે મંજુર કર્યું છે.
આવક વધારવા કમર કસશે મનપા
1. સ્માર્ટ સિટી વિસ્તારમાં લાઈટીંગ પોલ ઉપર જાહેરાત અને એલ.ઈ.ડી. સ્ક્રીન/કિઓસ્ક માટેના હક્કો આપવા
2. માધવરાય સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ કોમર્શિયલ હેતુ માટે ભાડે આપવું
3. શહેરના મુખ્ય રસ્તા પર આવેલ મહાનગરપાલિકા હસ્તકના ટી.પી. પ્લોટ્સ લાંબા સમયગાળા માટે ભાડા પટ્ટે આપવા
4. 100 સિટી બસોની અંદર તથા બહારની બાજુ જાહેરાતના હક્કો પ્રસિધ્ધ કરવા
5. સ્માર્ટ સિટી વિસ્તારમાં અટલ સરોવર પરિસરની અંદર રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની 42 દુકાનો મોડર્ન ફૂડ કોર્ટ તરીકે ભાડા પટ્ટે આપવી.
6. વન ટાઈમ ઈનસ્ટોલમેન્ટ સ્કીમ-2(પાછલા વર્ષોના ચડત મિલકતવેરાની રકમ વ્યાજ સાથે ભરપાઈ કરવા માટે હપ્તા પધ્ધતિ)
મકાનવેરામાં વધારો ફગાવી દેવાયો
રાજકોટ મનપા કમિશનર દ્વારા રજૂ કરાયેલ ડ્રાફ્ટ બજેટમાં આ વખતે જંગી વધારો ઝીકવામાં આવ્યો હતો. મકાનવેરામાં રહેણાંક મિલકતોમાં પ્રતિ ચોરસ મીટરમાં 4 રૂપિયાનો વધારો કરી 11 ના બદલે 15 રૂપિયા કરવા સૂચન કરાયું હતું. જ્યારે બિન રહેણાંક મિલકતોમાં પ્રતિ ચોરસ મીટરમાં 5 રૂપિયાનો વધારો કરી 25ના બદલે 30 રૂપિયા કરવા સૂચન કરાયું હતું. જે વધારો સ્ટેન્ડિંગ કમિટીએ રદ કરી જૂનો દર યથાવત રાખ્યો છે.
ફાયર ટેક્સનું સૂચન ફગાવાયું
રાજકોટમાં ફાયર ટેક્સ વસુલવાની શરૂઆત કરવા સૂચન કરાયું હતું. જેમાં રહેણાંક મિલ્કતો માટે પ્રતિ ચોરસ મીટર 15 રૂપિયા તથા બિન રહેણાંક માટે પ્રતિ ચોરસ મીટર 25 રૂપિયા વસૂલવા સૂચન કરાયું હતું. જે પણ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ફગાવી દેવામાં આવ્યો છે.
શહેરીજનોની સુખાકારીમાં વધારો…
1. વોર્ડવાઈઝ આધાર કેન્દ્રો
2. વોર્ડવાઈઝ સ્પોર્ટસના સાધનોની કીટનું વિતરણ
3. 5 દિવસીય યોગ શિબિર
4. જન્મ/મરણ પ્રમાણપત્ર પ્રથમ પાંચ નકલ – વિનામૂલ્યે
5. પદાધિકારીઓની વિકાસ કામો માટેની ગ્રાન્ટની રકમમાં વધારો
6. પેડક રોડને ગૌરવપથ તરીકે વિકસિત કરવો
7. ત્રિદલ યોજના-બિલ્વવૃક્ષ સંવર્ધન
8. સ્વચ્છ અને હરિયાળું રાજકોટ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
બજેટમાં સંબોધન દરમિયાન સ્ટે. કમિટિના ચેરમેન જયમીન ઠાકરે શહેરની સુખાકારી માટે અનેક જાહેરાતો કરી હતી જે અંતર્ગત જાહેર પરિવહન મજબૂત કરી પરિવહન સુવિધાને ધ્યાનમાં રાખી 100 નવી ઈગૠ બસ અને 34 ઇલેક્ટ્રિક બસ ફાળવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. નવી 100 બસ માટે સ્માર્ટ સિટી એરિયામાં અટલ સરોવર ખાતે અંદાજીત રૂ.7.92 કરોડ ના ખર્ચે ઈ-બસ ચાર્જીંગ સ્ટેશન અને ડેપો બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. એટલું જ નહિ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે બસ સેવા શરૂ કરવામાં આવશે અને તેમાં અઈં સિસ્ટમ નો ઉપયોગ કરવા માટે વિચારણા ચાલી રહી છે જેમાં મુસાફર દ્વારા પોતાની ટિકિટ બોર્ડિંગ સ્કેન કરી એપીકેશનમાં અપલોડ કરવામાં આવશે તો નજીકમાં તેમને ચોક્કસ સમય આપી પીકપ માટે સેવા કાર્યરત કરવામાં આવી શકે છે.