નેત્રમ શાખાના સીસીટીવી કેમેરાના માઘ્યમથી ચોરીનો પર્દાફાશ
ત્રણ શખ્સોએ અત્યાર સુધી 19 બોકસ ચોર્યાની કબુલાત
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.25
જૂનાગઢ હાલ કેસર કેરીની આવક ખુબ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે ત્યારે ગીર પંથકમાંથી કેસર કેરીના બોકસ ભરેલા વાહનો રોજબરોજ શહેરમાંથી પસાર થતા હોય છે ત્યારે આ વાહનોમાંથી કેસર કેરીના બોકસ ચોરી કરતા હોવાનું જૂનાગઢના નેત્રમ શાખાના સીસીટીવી કેમેરામાં સામે આવતા નેત્રમ શાખાના પીએસઆઇ પી.એચ.મશરૂ અને પોલીસ સ્ટાફ દ્વારા કેરીના બોકસની ચોરી કરનાર ઇસમોને ઝડપીને પર્દાફાશ કર્યો હતો.
જૂનાગઢ શહેરમાં વિશ્ર્વાસ પ્રોજેકટ અંતર્ગત લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરાનું નેત્રમ શાખા દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવતુ હોય છે જયારે અનેક એવા બનાવો નેત્રમ શાખા પાસે આવતા હોય છે ત્યારે ગણતરીની કલાકોમાં ખોવાયેલ સામાન હોય કે, કોઇ ગુનો બન્યો હોય તેને ત્વરીત રીતે સીસીટીવી કેમેરાના આધારે ગુનાહ ડીટેકશન કરી લેવામાં આવે છે. જ્યારે જૂનાગઢ શહેરમાંથી જયશ્રી ફાટક રોડ પાસે એક બોલેરો પીકપ વાન કેરીના બોકસ ભરીને નિકળી રહ્યુ હતુ તે સમયે ત્રણ શખ્સોએ બાઇક પર આવી કેરીના બોકસની ચોરી કરી નાસી છુટયા હતા. જયારે આ સમગ્ર ચોરીની ઘટના નેત્રમ શાખાના સીસીટીવી કેમેરામાં કેદ થઇ જતા પીએસઆઇ પી.એચ.મશરૂ દ્વારા તૂરંત કાર્યવાહી કરવામાં આવી હતી અને બી-ડીવીઝન પીઆઇ પી.કે.ચાવડા અને પોલીસ સ્ટાફ દ્વારા કેરીના બોકસની ચોરી કરનાર વિજય ઉર્ફે ભુરો પરસોતમભાઇ ચુડાસમા, વિવેક મનીષભાઇ સાગઠીયા, કરણ બાબુભાઇ સોમાણીને જી.જે.03.એમ કયુ.1351 સાથે બે કેરીના બોકસ મળી કુલ રૂા.22000 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જયારે પોલીસે ત્રણ ઇસમોને વધુ પુછપરછ કરતા કુલ કેરીના 19 બોકસ ચોરી કર્યાની કબુલાત આપી હતી. આમ નેત્રમ શાખા દ્વારા શહેરમાં બનતા બનાવો ઉપર સતત મોનીટરીંગ રાખીને ગેરકાયદેસર પ્રવૃતિને અટકાવવામાં સફળતા મળી છે.
- Advertisement -