ઢાંકેચા પરિવારની 3 પેઢી સંગીતને સમર્પિત
ઢોલ, ડ્રમ, કી બોર્ડ વગર નવરાત્રી તો સૂની જ લાગે ત્યારે એક એવો પરિવાર છે જે સંગીત જગત સાથે ત્રણ પેઢીથી જોડાયેલો છે. રાજકોટના સહિયર રાસોત્સવમાં ડ્રમ સહિતના ઈન્સ્ટ્રુમેન્ટ વગાડતો ઢાંકેચા પરિવાર સંગીતને સમર્પિત છે છેલ્લા 35 વર્ષોથી જેમણે ડ્રમ વગાડ્યું છે તેવા હિતેષભાઈ ઢાંકેચાએ ખાસ-ખબરની મુલાકાત દરમિયાન તેના અંગત જીવન વિશે વાતો શેર કરી હતી તેમણે જણાવ્યું હતું કે, મારા દાદા પોરબંદરના રાણાવાવમાં ઢોલ વગાડતા હતા ત્યારબાદ પિતા ભરતભાઈ ઢાંકેચા 50 વર્ષ પહેલા ડ્રમ વગાડવાના શોખથી સંગીત જગતમાં આવ્યા ત્યારપછી તેઓ આફ્રિકન ટુંબા અને ડ્રમ વગાડતા હતા. ત્યારપછી અમે આ કલાને આગળ વધારીને વેસ્ટર્ન સ્ટાઈલ ડ્રમ શીખ્યા હાલ અમારૂં ઢાંકેચા બ્રધર્સ રોટોડ્રમ, ડ્રમ સેટ, બેઝ, સ્નેર ફોર પીસ, મીડ ઢોલ વગાડી રહ્યા છે. આ વ્યવસાયમાં મારી સાથે પુત્રો, ભાઈ, કાકાના દીકરા પણ જોડાયેલા છે. સહિયર રાસોત્સવમાં વર્ષ 2001થી 2011 સુધી પિતા ભરતભાઈ ઢાંકેચાએ ડ્રમ વગાડ્યું ત્યારપછી 2022થી અમારૂં ઢાંકેચા બ્રધર્સ બેન્ડ વગાડી રહ્યા છે.
- Advertisement -
કલ્યાણજી-આણંદજી જોડીના આણંદજી સાથે કામ કર્યું
હિતેષભાઈ ઢાંકેચાએ જૂની વાતો યાદ કરતા જણાવ્યુ હતું કે, હિન્દી ફિલ્મી દુનિયાના જાણીતા સંગીતકાર આણંદજી સાથે કામ કરવાની તક મળી છે તે મારા માટે ગર્વની વાત કહેવાય. તેમણે મને 1001 રૂપિયાનું પુરસ્કાર પણ આપ્યું હતું. જ્યારે હેમુ ગઢવી હોલમાં પણ અનેક કાર્યક્રમો યોજ્યા છે.
- Advertisement -
હિતેશ ઢાંકેચા બ્રધર્સે કિર્તીદાન ગઢવી સાથે 400 જેટલાં શૉ કર્યા
સૌરાષ્ટ્રના સંગીત જગતમાં ઢાંકેચા પરિવારની આગવી ઓળખ: 50 વર્ષ પહેલા ભરતભાઈ ઢાંકેચા ડ્રમ વગાડતા ત્યારપછીથી સતત ત્રણ પેઢી આ કલાને આગળ વધારી
હિતેષભાઈ ઢાંકેચા છેલ્લા 35 વર્ષોથી હિન્દી કોન્સર્ટમાં ડ્રમ વગાડ્યા છે. રીધમ નોટેશનમાં લખ્યા વગર તેઓ વગાડે છે. ચોપડીમાં નહીં પરંતુ ખોપડીમાં ડ્રમ સંગીત ઉતરી ગયું છે. કટ ટુ કટ ડ્રમ વગાડવું એ હિતેષભાઈ ઢાંકેચાની વિશેષતા છે હિન્દી ગીતોમાં શ્રેષ્ઠ હોવા ઉપરાંત હિતેષભાઈ ગરબા વગાડવામાં નંબર વન પર છે. હજુ સુધી તેના જેવી કોઈ કોપી નથી કરી શક્યા. હિતેષભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, તેઓએ કિર્તીદાન ગઢવી સાથે લગભગ 400 જેટલા શો કર્યા. જેમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યુઝિલેન્ડ, અબુધાબી, દુબઈ, બેલ્જીયમનો સમાવેશ થાય છે. સાત વર્ષ સુધી કિર્તીદાન ગઢવી સાથે 40 કલાકારોની ટીમ સાથે વર્લ્ડ ટુર કરી. ગરબામાં હિતેષે બનાવેલા ટાઈટલ અને રીધમ પેટર્ન દરેક કલાકારો માટે લેશન સમાન છે.
પુત્ર દર્શન ઢાંકેચા (માસ્ટર પાર્થ)એ એમ.એસ. યુનિવર્સિટીમાંથી તબલામાં માસ્ટર ડિગ્રી મેળવી
હિતેષ ઢાંકેચાનો પરિવાર સંગીત ક્ષેત્રે સંકળાયેલો છે તેમનો પુત્ર દર્શન ઢાંકેચા જેને માસ્ટર પાર્થના નામે ઓળખાય છે તેમણે એમ.એસ. યુનિવર્સિટીમાંથી તબલામાં માસ્ટર ડિગ્રી મેળવી છે. તેમના નાનાભાઈ નરેશ અને મહેશ છે તેઓ પણ ગોંડલમાં નવરાત્રી મહોત્સવ સંભાળે છે જ્યારે તેમના પુત્રો પણ મોરબીમાં ઢોલનું ગૃપ સંભાળી રહ્યા છે.
સહિયર રાસોત્સવમાં કલાકારો પરિવારના સભ્ય
સૌરાષ્ટ્રના પ્રખ્યાત સહિયર રાસોત્સવમાં કલાકારો પણ હિતેષભાઈના પરિવારના છે કાકાના દીકરા કરણ, નીતિન, હિરેન તેમની ડ્રમ અને અન્ય ઈન્સ્ટ્રુમેન્ટ વગાડે છે જ્યારે રવિ ઢાંકેચા કી બોર્ડ વગાડે છે. તેમના ભાણેજ રોનક અને પ્રથમ પણ ગૃપમાં છે.
વંદે માતરમની રિધમ હિતેષ ઢાંકેચાએ બનાવી…
વંદે માતરમ ગીતનો તાલ હિતેષ ઢાંકેચાએ બનાવ્યો છે. આજે પણ કોઈ પણ રાસોત્સવનું એન્ડીંગ વંદે માતરમથી જ થાય છે. ત્યારે રીધમ પેટર્ન હિતેષ ઢાંકેચાએ બનાવેલી જ વાગે છે.