સ્ટાફની ઘોર બેદરકારીના કારણે મહિલાને જાહેરમાં પ્રસૂતિ થઈ હતી
RDDની તપાસ બાદ આરોગ્ય વિભાગના અધિક નિયામકે કરી કડક કાર્યવાહી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેરની પદ્મકુંવરબા હોસ્પિટલ માં જાહેરમાં મહિલાની પ્રસૂતિ થવાની ગંભીર ઘટનાને કારણે સમગ્ર રાજ્યના આરોગ્ય તંત્ર પર સવાલ ઉઠ્યા હતા. આ ઘટનાની તપાસ અપાઈ હતી તપાસ બાદ તેમાં કસૂરવાર રેસિડેન્ટ તબીબો ડો.મૌલિક બૂધરા અને ડો.શિવાંગીની ગરાસિયાનેને એક ટર્મ માટે સસ્પેન્ડ કરાયા છે. હેડનર્સ કંચનબેન ખીમસુરિયાની જામનગર જ્યારે બે સ્ટાફ નર્સ પારૂલબેન વાઘની દ્વારકા અને નિધિબેન ચૌહાણની જામનગર બદલી કરી દેવાઈ છે. પ્રસૂતાઓનું ધ્યાન રાખનાર આયા રંજનબેનને નોકરીમાંથી જ છૂટા કરી દેવાયા છે.શહેરના ગુંદાવાડીમા આવેલી પદ્મકુંવરબા ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં 1 ઓક્ટોબરે પરપ્રાંતીય મહિલાને 108 મારફત પ્રસૂતિની પીડા સાથે લવાઈ હતી. લેબર રૂમમાં મહિલા ગઈ ત્યારે એકમાત્ર તેનો પતિ જ સાથે હતો. સ્ટાફે મહિલાને બહાર બેસવાનું કહ્યું હતું અને તેનો પતિ કેસ કઢાવવા ગયો હતો. મહિલા બહાર ગઈ ત્યાં બાંકડા પાસે જ તેને પ્રસૂતિની પીડા ઉપડી હતી.
હાજર મુલાકાતી મહિલાઓએ પ્રસૂતિ કરાવી હતી. ત્યારબાદ છેક સ્ટાફ નર્સ દોડી આવી હતી.આ ઘટનાને કારણે આરોગ્ય વિભાગ સામે સવાલો ઊભા કર્યા હતા અને ગુજરાતના આરોગ્ય મોડેલની દેશભરમાં ટીકા થઈ હતી. જેથી તપાસના આદેશ અપાયા હતા. તપાસમાં નિવેદનો, સીસીટીવી ફૂટેજ, દર્દી તેમજ મુકાલાતીઓએ મોબાઈલમાં લીધેલા વીડિયો સહિતના પુરાવાઓ બાદ તપાસ કમિટીએ રિપોર્ટ કરતા તેમાં તબીબ અને સ્ટાફની જવાબદારી જ ખૂલી હતી. જેથી તબીબો અને સ્ટાફ સામે કાર્યવાહી કરાઈ છે. ત્રણ તબીબ પૈકી બેના ઓર્ડર સ્થાનિક કક્ષાએ થયા છે જ્યારે એક તબીબને સસ્પેન્ડ કરવાના છે પણ તે હુકમની સત્તા ગાંધીનગર હોવાથી હજુ નામ બહાર આવ્યું નથી. જ્યારે આમએમઓ ડો. નૂતન સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી રહી છે.