વાલ્વ સેટિંગની કામગીરીને કારણે અનેક વિસ્તારોમાં પાણી વિતરણ બંધ!
આજથી 18 ડિસેમ્બર સુધી અસર: માધાપર, વીસીપરા, દાણાપીઠ હેડવર્ક્સ સહિતના વિસ્તારોમાં લાંબા સમય પછી પાણીની હાલાકી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.16
મોરબી મહાનગરપાલિકાના વોટર વર્કસ શાખા દ્વારા શહેરના કેટલાક વિસ્તારોમાં આજે મંગળવાર, 16 ડિસેમ્બરથી 18 ડિસેમ્બર સુધી ત્રણ દિવસ માટે પાણી વિતરણ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. શહેરમાં જળસ્ત્રોતો ભરેલા હોવા છતાં, ગૌશાળા હેડવર્ક્સથી સુરજ બાગ હેડવર્ક્સની મેઇન લાઇન પર વાલ્વ સેટિંગની મહત્વની કામગીરીને કારણે આ કાપ મૂકવામાં આવ્યો છે. સિટી ઇજનેરના જણાવ્યા મુજબ, આ કામગીરીના કારણે લાંબા સમય પછી શહેરના મુખ્ય વિસ્તારોમાં પાણીની હાલાકી સર્જાશે. આનાથી પ્રભાવિત થનાર વિસ્તારોમાં માધાપર વિસ્તાર, સોમૈયા સોસાયટી, ભગવતી પરા, નવડેલા રોડ, નાગર પ્લોટ, વીસીપરા તેમજ દાણાપીઠ, પંચાસર, સૂરજ બાગ અને રણછોડ નગર હેડવર્ક્સ હેઠળ આવતા વિસ્તારોનો સમાવેશ થાય છે. મનપાએ નાગરિકોને ઘરમાં પાણીનો પૂરતો સંગ્રહ કરવા અને અનાવશ્યક વપરાશ ટાળવા માટે ખાસ અનુરોધ કર્યો છે, જેથી ત્રણ દિવસ દરમિયાન પાણી માટે વલખા ન મારવા પડે.



