ખાનગી મીની બસમાં વિદેશી દારૂ સંગ્રહનું ચોરખાનું બનાવ્યું હતું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.3
ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં દરરોજ હજારો લીટર દારૂ ગુજરાતમાં ઠલવાય છે. ત્યારે વારંવાર રાજ્યના પોલીસ વિભાગ દ્વારા આ વિદેશી દારૂને યુક્તિ પ્રયુક્તિથી ગુજરાતમાં ઘુસાડવાની મોડસ ઓપરેન્ડી ખુલ્લી પાડવામાં આવે છે ત્યારે બુટલેગરોને વધુ એક મોડસ ઓપરેન્ડી સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે ખુલ્લી પાડી છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ જે.જે.જાડેજા, પીએસઆઇ જે.વાય.પઠાણ, દશરથભાઈ રબારી, પ્રતાપસિંહ સહિતનાઓ વઢવાણ હાઈવે પર પેટ્રોલીંગમાં હોય તેવા સમયે બગોદરાથી રાજકોટ તરફ એક મીની બસમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમીને આધારે એલ.સી.બી સ્ટાફ દ્વારા બલદાણા ગામના પાટિયા પાસે વોચ ગોઠવી હતી જે દરમિયાન ખાનગી મીની બસ જીજે 01 ડી વી 8899 નંબરની નીકળતા મીની બસને અટકાવી બસમાં તપાસ કરતા અંદર ચોરખાનું બનેલું હોય જેમાં જુદા જુદા બ્રાન્ડના વિદેશી દારૂની બોટલ 1042 નંગ કિંમત 14,33,200/- રૂપિયાની મળી આવી હતી આ સાથે મીની બસમાં સવાર બાબુલાલ ભીમરામ બિશ્નોઈ, મોટારામ કલરામ ચૌધરી તથા અશોક ભુરારામ બિશ્નોઈ રહે: ત્રણેય રાજસ્થાન વાળાને ઝડપી લઇ તેઓની પાસેથી એક મીની બસ કિંમત 13 લાખ રૂપિયા, ત્રણ નંગ મોબાઇલ કિંમત 10,500 રૂપિયા સહિત કુલ 27,43,700 રૂપિયાનો મુદામાલ જપ્ત કરી વધુ પૂછપરછ કરતાં વિદેશી દારૂનો જથ્થો જામનગર ખાતે મયુરસિહ જાડેજા તથા મહાવીરસિંહ દેવજી જાડેજા દ્વારા મંગાવ્યો હોવાનું અને અજાણ્યા શખસ દ્વારા મહિન્દ્રા પિકઅપમા દારૂ ભરીને આપી ગયો હોવાહોવાનું જણાવતા જિલ્લા એલ.સી.બી દ્વારા તમામ વિરુધ વઢવાણ પોલીસ મથકે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.