ટીચર્સમાં 14, રજિસ્ટર ગ્રેજ્યુએટમાં 15 ઉમેદવારે ફોર્મ ભર્યા, કાલે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ, 10 સપ્ટેમ્બરે ચૂંટણી
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી દિવસોમાં યોજાનારી સેનેટની ચૂંટણીને લઈને છેલ્લા ઘણા દિવસોથી રાજકારણ ગરમાયું છે ત્યારે ટીચર્સ અને રજિસ્ટર ગ્રેજ્યુએટની બેઠકોમાં 21મીએ ફોર્મ ભરવાના છેલ્લા દિવસે જુદી જુદી ફેકલ્ટીમાં કુલ 29 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આગામી તારીખ 24 ઓગસ્ટના રોજ ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ હોવાથી ત્યારબાદ ચિત્ર સ્પષ્ટ થશે પરંતુ કેટલીક બેઠકોમાં માત્ર એક-એક જ ફોર્મ ભરાયા હોવાને કારણે તે બેઠક બિનહરીફ થવાની સંભાવના વધી છે. ટીચર્સ અને રજિસ્ટર ગ્રેજ્યુએટની ચૂંટણી આગામી તારીખ 10 સપ્ટેમ્બરના રોજ યોજવામાં આવનાર હોવાનું અને ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં મતદાન માટેની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. કોલેજ શિક્ષકની બેઠક પર મેડિકલ ફેકલ્ટીમાં 4 ફોર્મ ભરાયા છે જ્યારે મેનેજમેન્ટ ફેકલ્ટીમાં 1, આર્કિટેક્ચરમાં 2, ગૃહ વિજ્ઞાનમાં 2, પર્ફોર્મિંગ આર્ટસમાં 2, ગ્રામ વિદ્યાશાખામાં 3 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જ્યારે નોંધાયેલા સ્નાતકોમાં મેડિકલ ફેકલ્ટીમાં 1 જ ઉમેદવારે ફોર્મ ભર્યું છે, જ્યારે મેનેજમેન્ટમાં 4, આર્કિટેક્ચરમાં 3, ગૃહ વિજ્ઞાનમાં 2, પર્ફોર્મિંગ આર્ટસમાં 1, ગ્રામ વિદ્યાશાખામાં 2 અને હોમિયોપેથીમાં 2 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.