મોટી પાનેલી ગામે કપાસમાં સંતાડેલા 3.30 લાખ રોકડની ચોરી
ભાયાવદર પોલીસે તસ્કરોને સકંજામાં લઇ ભેદ ઉકેલી નાખ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
મોટી પાનેલી ગામે ખેડૂતના ઘરમાંથી 3.30 લાખ રોકડની ચોરી થયાની ફરિયાદ નોંધાતા ભાયાવદર પોલીસે ગુનો નોંધી ગણતરીની કલાકોમાં જ સીસીટીવી આધારે હાથફેરો કરનાર તસ્કરોને ઝડપી લઇ તમામ મુદ્દામાલ રીકવર કરી પૂછતાછ હાથ ધરી છે. બનાવ અંગે ઉપલેટાના મોટીપાનેલી ગામે રહેતા અને ખેતીકામ સાથે સીદસર રોડ ઉપર હરીયાસણ સીમમાં આવેલ સબંધી નીતીનભાઇ ફળદુના સોલાર પ્રાજેકટમાં પગી તરીકે નોકરી કરતા કીરણભાઈ ભીમજીભાઈ પાંચાણી ઉ.58એ ચોરી અંગે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે તેની પાસે ખેતીની 22 વિઘા જમીન હતી ભાઈ મુકેશને કેન્સરની બીમારી હોય જેથી પૈસાની જરૂર પડતા 22 વીઘા જમીન ગયા વર્ષ એક વીઘાના 85 લાખ લેખે વેચી દીધી હતી તેની બહેનને ઘરે આર્થિક સારૂ હોઇ જેથી તેણે ભાગ લીધો ન હતો અને બન્ને ભાઇઓએ જમીન વેચેલ તેના પૈસાનો ભાગ પાડી લીધો હતો ભાઈ મુકેશભાઈને કેન્સરની સારવાર માટે પૈસાની જરૂરીયાત હોઇ જેથી તેઓએ 5.80 લાખ હાથ ઉપર રાખી બાકીના પૈસા ભાઇ મુકેશને સારવાર માટે આપેલ હતા. જે પૈસા ઘરે થેલીમાં ભરીને કપાસમાં સંતાડીને રાખતાં હતાં ઉપરાંત તેઓની માતાના સોનાના બુટ્ટીયા કાળા ઝબલામાં સંતાડીને રાખેલ હતા. તેઓ જરૂરીયાત મુજબના પૈસા તે થેલીમાથી કાઢીને કટકે કટકે વાપરતાં હતાં. ગઇ તા.26 ના સવારે 16 હજાર ટ્રેકટરના ભાડા તથા સોલારમાં રહેલ ચોકીદારને પગાર ચુકવવા માટે થેલીમાથી કાઢ્યા હતા અને થેલી પરત કપાસમાં સંતાડી દીધી હતી ત્યારે થેલીમાં આશરે 3.30 લાખ હતાં કામ પતાવી ઘરે પરત આવી દરવાજાનું તાળુ ખોલવા ખીસ્સામાંથી ચાવી કાઢવા જતાં ચાવી હતી નહી જેથી ચાવી પડી ગઈ હશે તેમ માની દીવાલ ટપીને જોયું તો તાળુ તુટેલ હાલતમાં નીચે પડેલ હતુ અને દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો જેથી કપાસમાં સંતાડેલ પૈસાની થેલી બાબતે તપાસ કરતા થેલી જોવા મળી ન હતી અને રૂમમાં ઘરવખરીનો સામાન વેરવીખેર હતો તેમજ કપાસમાં સંતાડેલ સોનાના બુટ્ટીયા જે તે સ્થીતીમાં હતા જેથી 3.30 લાખની રોકડ અજાણ્યો તસ્કર ચોરીને લઈ જતાં ફરીયાદ નોંધાવી હતી ભાયાવદર પોલીસે સીસીટીવી ફુટેજ આધારે તપાસ હાથ ધરી તસ્કરોને સકંજામાં લઇ તમામ મુદ્દામાલ રિકવર કરી વધું તપાસ હાથ ધરી છે.



